નવી દિલ્હી, તા.12: ઇન્ડિયા ઓપન સુપર 7પ0 બેડમિન્ટન ટૂર્નામેન્ટનો પ્રારંભ રાજધાનીમાં મંગળવારથી થશે. જેમાં ભારતીય ખેલાડીઓ પાસેથી સારા દેખાવની આશા રહેશે. પીવી સિંધુ, લક્ષ્ય સેન અને સાત્વિક-ચિરાગની જોડી હાલના ફોર્મ અને ઘરેલુ સ્થિતિનો ફાયદો લઇને ખિતાબ જીતવાની કોશિશ કરશે. ઘરેલુ દર્શકો સામે સારા દેખાવનું દબાણ પણ ભારતીય શટલર્સ પર રહેશે. સ્ટાર ખેલાડી પીવી સિંધુ ઇન્ડિયા ઓપનનો ખિતાબ છેક 2017માં જીતી હતી. તે લાંબા સમય બાદ આ ટ્રોફીના ઇંતઝારમાં છે. ગત સપ્તાહે તેણી મલેશિયા ઓપનના સેમિ ફાઇનલ સુધી પહોંચી હતી. ઇન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં સિંધુની ટક્કર વિયેતનામની ખેલાડી ગુયેન થુઇ વિરૂધ્ધ થશે. મહિલા સિંગ્લસમાં માલવિકા બંસોડ ચમકારો કરી શકે છે. તેણીનો પહેલા રાઉન્ડમાં સામનો ચીની તાઇપેની ખેલાડી પાઇ યૂ પો સામે થશે.
મેન્સ
સિંગલ્સના પહેલા રાઉન્ડમાં બે ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને આયુષ શેટ્ટી આમને-સામને
હશે. લક્ષ્ય સેને અહીં 2022માં ખિતાબ જીત્યો હતો. મેન્સ ડબલ્સમાં સાત્વિક-ચિરાગ પાસેથી
ભારતને સારી આશા રહેશે. આ જોડી 2022માં ઇન્ડિયા ઓપનમાં ચેમ્પિયન રહી ચૂકી છે. ગત સપ્તાહે
આ ભારતીય જોડી મલેશિયા ઓપનના કવાર્ટરમાં હારી બહાર થઇ હતી. મહિલા અને મિશ્રિત યુગલમાં
પણ અનેક ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ કોર્ટ પર ઉતરશે.