• મંગળવાર, 03 માર્ચ, 2026

વિન્ડિઝના 457 રન, ક્રાઈસ્ટ ચર્ચ ટેસ્ટ ડ્રો

જસ્ટિન ગ્રીવ્સની બેવડી સદી, રોચના 233 બોલમાં 58 : મેજબાન ટીમની જીતની આશા ઉપર પાણી

નવી દિલ્હી, તા. 6 : ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીનો પહેલો મુકાબલો ક્રાઈસ્ટચર્ચના હેગલે ઓવલમાં રમાયો હતો. આ મુકાબલો રોમાંચક રીતે ડ્રો થયો હતો. મુકાબલામાં મેજબાન ટીમે વેસ્ટ ઈન્ડિઝને જીત માટે 531 રનનો પહાડ જેવો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે લાગી રહ્યું હતું કે, ન્યુઝીલેન્ડની ટીમ સરળતાથી મેચ જીતી લેશે. જો કે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓએ મેચની ચોથી ઈનિંગમાં એવી રમત બતાવી હતી જે ચાહકોને વર્ષો યાદ રહેશે.

છ ડિસેમ્બરે પાંચમા અને અંતિમ દિવસે રમત પુરી થઈ ત્યારે વિન્ડિઝની ટીમનો સ્કોર 163.3 ઓવરમાં છ વિકેટે 457 રન હતો અને ટીમ મેચ જીતવાથી માત્ર 74 રન પાછળ રહી હતી. વિન્ડિઝની બીજી ઈનિંગમાં પ્લેયર ઓફ ધ મેચ જસ્ટિન ગ્રીવ્સે યાદગાર પ્રદર્શન કરતા 388 બોલમાં નોટઆઉટ 202 રન કર્યા હતા. જ્યારે કેમાર રોચે 233 બોલનો સામનો કરતા 8 ચોગ્ગાની મદદથી નોટઆઉટ 58 રન કર્યા હતા. ગ્રીવ્સ અને રોચ વચ્ચ સાતમી વિકેટ માટે 180 રનની અતુટ ભાગીદારી બની હતી. આ પહેલા ગ્રીવ્સે શાઈ હોપ સાથે મળીને પાંચમી વિકેટ માટે 196 રનની ભાગીદારી કરી હતી. હોપે 15 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 234 બોલમાં 140 રનનું યોગદાન આપ્યું હતું.

ન્યુઝીલેન્ડને ચોથી ઈનિંગમાં ફાસ્ટ બોલર મેટ હેનરી અને નાથન સ્મિથની કમી રહી હતી. હેનરી ઈજાના કારણે માત્ર 11 ઓવર બોલિંગ કરી શક્યો હતો જ્યારે સ્મિથ ઈજાના કારણે રમી શક્યો નહોતો. મુકાબલામાં ન્યુઝીલેન્ડે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા પહેલી ઈનિંગમા 231 રન કર્યા હતા. જ્યારે વિન્ડિઝ પહેલી ઈનિંગમાં 167 રન જ કરી શક્યું હતું. જેનાથી કીવી ટીમને 64 રનની લીડ મળી હતી. બાદમાં ન્યુઝિલેન્ડે બીજી ઈનિંગ 8 વિકેટના નુકસાને 466 રન બનાવીને ઘોષિત કરી હતી. રચિને 185 બોલમાં 176 રન કર્યા હતા. જ્યારે ટોમ લેથમે 145 રન કર્યા હતા જ્યારે કેમાર રોચે પાંચ વિકેટ પોતાના નામે કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક