અંતિમ અને નિર્ણાયક વનડેમાં ભારતની 9 વિકેટે જીત : યશસ્વી જયસ્વાલની યાદગાર સદી
વિશાખાપટ્ટનમ,
તા. 6 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીનો અંતિમ મુકાબલો શનિવારે
વિશાખાપટ્ટનમમાં રમાયો હતો. આ મુકાબલામાં ભારતે નવ વિકેટે જીત મેળવી હતી. ભારતીય ટીમે
યશસ્વી જયસ્વાલની શાનદાર સદીની મદદથી 39.5 ઓવરમાં જ 271 રનનું લક્ષ્ય પાર પાડી લીધું
હતું. આ સાથે વનડે શ્રેણી ઉપર ભારતે 2-1થી કબજો કરી લીધો છે. મેચમાં રોહિત શર્માએ
75 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન પુરા કર્યા
હતા. કોહલીએ પણ 65 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવે
4-4 વિકેટ લીધી હતી.
ભારતીય
ટીમની જીતમાં ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની ભૂમિકા મહત્વની રહી હતી. યશસ્વીએ
121 બોલમાં નોટઆઉટ 116 રન કર્યા હતા. જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા. આ યશસ્વીની
વનડે કારકિર્દીની પહેલી સદી રહી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ નોટઆઉટ 65 રન અને રોહિત
શર્માએ 75 રન કરીને જોરદાર પ્રદર્શન કર્યું હતું.
રનચેઝમાં
ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી હતી. રોહિત શર્મા અને યશસ્વીએ મળીને પહેલી વિકેટ માટે
155 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન રોહિતે અને યશસ્વી જયસ્વાલે અર્ધસદી પુરી કરી
હતી. રોહિત શર્મા 75 રન કરીને આઉટ થયો હતો. બાદમાં વિરાટ કોહલીએ જયસ્વાલ સાથે શાનદાર
ભાગીદારી કરીને મેચ જીતાડી દીધો હતો. આ દરમિયાન જયસ્વાલે 111 બોલમાં સદી પુરી કરી હતી.
ટોસ
હારીને પહેલા બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 47.5 ઓવરમાં 270 રન કર્યા હતા. આફ્રિકાની
શરૂઆત સારી રહી નહોતી અને પહેલી જ ઓવરમાં રિયાન રિકલ્ટનની વિકેટ પડી હતી. બાદમાં ક્વિંટન
ડિકોક અને ટેમ્બા બાઉમા વચ્ચે 112 રનની ભાગીદારી થઈ હતી. બાઉમા 48 રને આઉટ થયો હતો.
બાઉમા બાદ મેથ્યુ બીટઝકેએ ડિકોકનો સાથ આપ્યો હતો. જો કે પ્રસિદ્ધ કૃષ્ણાએ એક જ ઓવરમાં
બિટઝકે અને માર્કરમની વિકેટ લીધી હતી. આ દરમિયાન ડિકોકે એક છેડો સાચવતા 80 બોલમાં સદી
પુરી કરી હતી. ડીકોકની વિકેટ પણ પ્રસિદ્ધે લીધી હતી. બાદમાં કુલદીપ ત્રાટક્યો હતો અને
આફ્રિકાની ઈનિંગ નબળી પડી હતી. ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવે ચાર-ચાર
વિકેટ લીધી હતી.