• શનિવાર, 19 જુલાઈ, 2025

ત્રિકોણીય T-20 શ્રેણી: આફ્રિકા સામે કિવિઝનો વિજય

ન્યુઝીલેન્ડના 5/173 રનના જવાબમાં દ. આફ્રિકા 152 રને ઓલઆઉટ

હરારે તા.16: ત્રિકોણીય ટી-20 શ્રેણીના આજના મેચમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ ન્યુઝીલેન્ડનો 21 રને સંગીન વિજય થયો હતો. ન્યુઝીલેન્ડના 20 ઓવરમાં પ વિકેટે 173 રનના જવાબમાં દ. આફ્રિકા ટીમ 18.2 ઓવરમાં 1પ2 રનમાં ઓલઆઉટ થઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ કિવિ બેટર ટિમ રોબિન્સને પ7 દડામાં 6 ચોક્કા અને 3 છક્કાથી 7પ રનની અણનમ ઇનિંગ રમી હતી. જયારે મેટર હેનરી અને જેકબ ડફીએ 3-3 વિકેટ લીધી હતી. આ ત્રિકોણીય ટી-20 શ્રેણીના પહેલા મેચમાં આફ્રિકાએ ઝિમ્બાબ્વેને પ વિકેટે હાર આપી હતી.

ન્યુઝીલેન્ડના દાવની શરૂઆત નબળી રહી હતી. 9 ઓવરમાં 70 રનમાં પ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટિમ રોબિન્સન અને બેવન જેકબ્સ વચ્ચે છઠ્ઠી વિકેટની અતૂટ ભાગીદારીમાં 63 દડામાં 123 રનનો ઝડપી ઉમેરો થયો હતો. જેકબ્સ 30 દડામાં 1 ચોક્કા-3 છક્કાથી 44 રને નોટઆઉટ રહ્યો હતો. આફ્રિકા તરફથી વેના મફાકાને 2 વિકેટ મળી હતી. ટિમ સિફર્ટ 22, ડવેન કોન્વે 9, ડેરિલ મિચેલ પ અને મિચેલ હે 2 રને આઉટ થયા હતા. જિમે નિશન ડક થયો હતો.

174 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા દ. આફ્રિકા ટીમ 1પ2 રને ઢેર થઇ હતી. જેમાં ડેવાલ્ડ બ્રેવિસના 18 દડામાં 3પ અને જોર્જ લિંડેના 20 દડામાં 30 રન મુખ્ય હતા. કેપ્ટન રાસી વાન ડૂસેન સહિતના બાકીના આફ્રિકી બેટર્સ નિષ્ફળ રહ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક