ચંદન પાર્કમાં બીએસપીએસ સંસ્કાર ધામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, સંતોની નિશ્રામાં વિવિધ કાર્યક્રમો સંપન્ન
રાજકોટ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચંદન પાર્ક વિસ્તારમાં નૂતન સંસ્કાર ધામનું ભવ્ય નિર્માણ અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તાજેતરમાં કરાયું હતું. રૈયા રોડ સ્થિત આરએમસી ગ્ર્રાઉન્ડ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમની બાજુમાં યોજાયેલ આ મહોત્સવમાં ભક્તિભાવ હતો.
આ પ્રસંગની શનિવારે યજ્ઞથી થઇ હતી. યજ્ઞમાં હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી, શ્રદ્ધાભાવે આહુતિ અર્પણ કરી હતી.
બપોરે ભવ્ય નગરયાત્રાનો પ્રારંભ થયો. જે મહોત્સવનું મુખ્ય આકર્ષણ હતી. નગરયાત્રામાં ભગવાન, સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓને ભવ્ય રથમાં સુશોભિત કરાઇ હતી. જ્યારે રાધા-કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ મયુર આકારના આકર્ષક રથમાં અલંકૃત થઇ હતી. નગરયાત્રા દરમિયાન ઠેર ઠેર સ્વાગત થયું.
નગર યાત્રા કાર્યક્રમમાં પ્રસંગે મહિલા મુખ્ય મહેમાનમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ હતા તેમજ વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર જાનકીબેન કંટોલીયા, દક્ષાબેન વાસાણી, શહેર ભાજપ મંત્રી અરૂણાબેન પરમાર કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. નગરયાત્રામાં રજૂ કરાયેલા વિવિધ આકર્ષક ફલોટ્સે સમાજને વ્યસનમુક્તિ, પારિવારિક એકતા અને સંસ્કારપૂર્ણ જીવન શૈલીના પ્રેરક સંદેશો આપ્યો. મહિલાઓએ જવારા લઇ, કીર્તન- ભોજન અને કરતાલ સાથે ભક્તિભાવ પ્રગટાવ્યો.
જાહેર સભામાં વિશેષ કાર્યક્રમોમાં બી.એ.પી.એસ. સંસ્થાના અપૂર્વ મુનિ સ્વામીએ પ્રેરણાદાયી વકતવ્ય આપતાં જણાવ્યું કે, ‘આ સંસ્કાર ધામ ચંદનપાર્ક વિસ્તારમાં શિક્ષણ, સંસ્કાર, સેવા, સંપ અને શ્રદ્ધાના કેન્દ્ર તરીકે વિકસશે. તેમણે ઉમેર્યુ કે આ સ્થાન યુવાનોના ચારિત્ર્ય નિર્માણ માટે પાઠશાળા સમાન બનશે અને ભારતની સંસ્કૃતિ તથા હિન્દુત્વની અસ્મિતાને ઉજાગર કરશે. તેમણે સંસ્કારધામને “માનવ મંદિર બનવાની પાઠશાળા’’ ગણાવી અને જણાવ્યું કે મંદિર માનવને શુદ્ધ બનાવવાનું એક આધ્યાત્મિક સર્વિસ સ્ટેશન છે.
રવિવારે ચંદન પાર્કના સંસ્કાર ધામ ખાતે મૂર્તિઓની વેદોકત વિધિથી ભવ્ય પ્રતિષ્ઠા સંપન્ન થઇ. સંતોના પવિત્ર માર્ગદર્શન હેઠળ ષોડશોપચાર વિધિથી પ્રાણપ્રતિષ્ઠા થઇ. ભકતો માટે મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા. આ પ્રસંગે ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. જેમાં 383થી વધુ વિવિધ વાનગીઓ, મીઠાઇ, ફરસાણ, ફળો, મુખવાસ વગેરે હતી.