• શનિવાર, 18 મે, 2024

કેશોદમાં કાકા-ભત્રીજા પર હુમલો કરી લૂંટ ચલાવનાર બનેવી સહિત સાત શખસ ઝડપાયા રીસામણે ગયેલી બહેનને તેડવા જતા ડખ્ખો થયાના મનદુ:ખમાં કૃત્ય આચર્યું’તું

કેશોદ, તા.4 : કેશોદના વેરાવળ રોડ પર સોંદરડા જીઆઇડીસી વિસ્તારમાં ગંગાવેર હાઉસ પાસે ભંડુરી ગામના અને જૂનાગઢ સિંચાઈ વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા અને તેના મોટા બાપુ લખમણભાઈ પર બનેવી જનક તેના પિતા વિક્રમ, ભાઈ કરણ તેમજ જનકના બે મામા વનરાજ કાળા સિસોદિયા અને સોમાત કાળા સિસોદિયા તેમજ જનકના મામાનો દીકરો મહિપત માણસુર સિસોદિયા, કેવદ્રાના મેહુલ સહિતના શખસોએ ધોકા-પાઈપથી હુમલો કર્યો હતો અને લખમણભાઈના ખિસ્સામાંથી રૂ.1પ હજારની લૂંટ ચલાવી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા અને ઘવાયેલા રણવીરસિંહ અને લખમણભાઈને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો અને હાથ ધરેલી તપાસમાં ઈજાગ્રસ્ત રણવીરસિંહના લગ્ન સામસામે થયા હતા. બાદમાં રણવીરસિંહની બહેનને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા હેરાન કરી ત્રાસ આપવામાં આવતા માવતરે રિસામણે આવતી રહી હતી અને બાદમાં પતિ સહિતના સાસરીયાઓ બહેનને તેડવા આવતા માથાકૂટ થઈ હોય તેનો ખાર રાખીને હુમલો કર્યો હતો.

આ અંગે પોલીસે રણવીરસિંહ સિસોદિયાની ફરિયાદ પરથી બનેવી જનક વિક્રમ સિંધવ, પિતા વિક્રમ સોનિંગભાઈ સિંધવ, ભાઈ કરણ, મહિપત માણસુર સિસોદિયા, સોમાત કાળા સિસોદિયા, વનરાજ કાળા સિસોદિયા, મેહુલ સહિત સાત શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક