• મંગળવાર, 12 મે, 2026

સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલ બનાવવાની દિશામાં ભારતની છલાંગ

20 મિનિટ સુધી ક્રેમજેટ એન્જિનનું સફળ પરીક્ષણ થયું

નવી દિલ્હી, તા. 10 : ભારતે એવી મિસાઇલ ટેક્નોલોજીની દિશામાં મહત્ત્વની સફળતા મેળવી છે જે ભવિષ્યનાં યુદ્ધોની તસવીર બદલી શકે છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ હાઇપરસોનિક મિસાઇલ કાર્યક્રમ હેઠળ ક્રેમજેટ કંબસ્ટરનું લાંબી અવધિનું સફળ પરીક્ષણ કર્યું હતું.

રક્ષા મંત્રાલય અનુસાર હૈદરાબાદ સ્થિત ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી (ડીઆરડીએલ)માં થયેલાં સફળ પરીક્ષણમાં ક્રેમજેટ એન્જિન 1200 સેકન્ડ એટલે કે 20 મિનિટ સુધી સફળતાપૂર્વક ચાલતું રહ્યું હતું. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં 700 સેકન્ડનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટેકનિકની મદદથી મિસાઇલ અવાજની ગતિથી પાંચ ગણી અથવા તેનાથી પણ વધારે રફતારથી ઉડાન ભરી શકે છે. આટલી ઝડપી મિસાઇલને રોકવી વર્તમાન મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે ખૂબ જ આકરું માનવામાં આવે છે.

રક્ષા વિશેષજ્ઞોના માનવા પ્રમાણે આ ઉપલબ્ધિથી ભારત ભવિષ્યમાં પોતાની સ્વદેશી હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસિત કરવાની ખૂબ જ નજીક પહોંચી ગયું છે. અમેરિકા, રશિયા અને ચીન પાસે પહેલાથી જ આ ક્ષેત્રમાં ક્ષમતા છે.  હાઇપર સોનિક મિસાઇલ ઝડપથી ઉડાનની સાથે દિશા પણ બદલી શકે છે. જેનાથી તેને ટ્રેક કરવી અને તેનાથી રક્ષા કરવી મુશ્કેલી બને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક