અમેરિકી નાકાબંધીનાં કારણે ઈરાનના ક્રૂડ ભંડારો છલોછલ : ખાર્ગ પાસે દરિયામાં એક મોટાં શહેરના આકાશ જેવડા કાળા ધાબા દેખાયા
વોશિંગ્ટન,
તા. 10 : અમેરિકા અને ઈઝરાયલ સાથે ચાલી રહેલાં યુદ્ધ વચ્ચે ઈરાન ગંભીર ક્રૂડ સંકટનો
સામનો કરી રહ્યું છે. ઈરાન દરરોજ 30 લાખ બેરલથી વધારે ક્રૂડનું ઉત્પાદન કરે છે. જેનો
મોટાભાગનો હિસ્સો ખાર્ગ દ્વીપ સ્થિત એક્સપોર્ટ ટર્મિનલથી મોકલવામાં આવે છે. જો કે સ્ટ્રેટ
ઓફ હોર્મુઝ અને ઈરાની પોર્ટ આસપાસ અમેરિકી નાકાબંધીનાં કારણે ફારસની ખાડીથી તેલ ટેંકર
બહાર નીકળી શકતા નથી. જેના પરિણામે એવી સ્થિતિ બની છે કે ઈરાન ક્રૂડને દરિયામાં ઢોળી
રહ્યું છે.
ઈરાન
પોતાનું ક્રૂડ બીજા દેશોને વેચી શકતું નથી અને ઉત્પાદન યથાવત્ રહેતા હવે ઈરાન પાસે
ભંડાર માટે જગ્યા બચી નથી. આ દરમિયાન સેટેલાઇટ તસવીરોમાં ખાર્ગ દ્વીપ પાસે સમુદ્રની
સપાટી ઉપર કાળા ધાબા જોવા મળ્યા હતા. જેના ઉપરથી આશંકા વ્યક્ત થઈ હતી કે ઈરાન જે ક્રૂડનો
ભંડાર કરી શકતું નથી તેને સમુદ્રમાં છોડી રહ્યું છે.
યુરોપીયન
સ્પેસ એજન્સીના સેટિનલ સેટેલાઇટ ડેટા અને અમેરિકી મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફારસની ખાડી
અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આસપાસ છેલ્લા અમુક અઠવાડિયાથી તેલની સપાટી (ઓઈલ સ્લિક્સ) જોવા
મળી હતી. પાંચમી માર્ચના કુવૈત તટ પાસે, 10 એપ્રિલના લાવન દ્વીપ આસપાસ, 22 એપ્રિલે
કેશમ દ્વીપ પાસે અને છ મેના ખાર્ગ દ્વીપ પાસે તેલના ધાબા દેખાયા હતા. ખાર્ગ પાસે જોવા
મળેલા ધાબા અંદાજિત 120 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા હોવાનું અનુમાન છે. જે કોઈ
મોટા શહેરના આકાર સમાન છે. એપ્રિલ મધ્યથી અમેરિકી
નાકાબંધી લાગુ ગયા બાદ સૌથી પહેલા ખાર્ગ દ્વીપ ઉપરના ઓનશોર સ્ટોરેજ ટેંક ભરાયા હતા.
બાદમાં ઈરાને જૂના તેલ ટેંકરોને ફરીથી સક્રિય કરીને સમુદ્રમાં ફલોટિંગ સ્ટોરેજ તરીકે
ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું હતું. આ જૂના જહાજોમાં વધારાનું ક્રૂડ ભરવામાં આવ્યું
હતું, જેથી ઉત્પાદન બંધ કરવું ન પડે. હકીકતમાં લાંબો સમય તેલના કૂવા બંધ રાખવાથી ભૂમિગત
તેલ ભંડારને સ્થાયી નુકસાન પહોંચી શકે છે.