અજ્ઞાત ચીજો વિશે હવે અમેરિકાના ગુપ્ત દસ્તાવેજો જ્ઞાત : આખરે વીડિયો, ફોટો અને સરકારી દસ્તાવેજો કરાયા જાહેર
નવીદિલ્હી,
તા.9 : સમગ્ર માનવજાત માટે ભેદભરમનો વિષય બની રહેલા યુએફઓ એટલે કે અજ્ઞાત ઉડતી ચીજ
કે પછી ઉડન તશતરી વિશે અમેરિકામાં વર્ષોની ચર્ચા બાદ આખરે ગોપનીય દસ્તાવેજોની પહેલી
ખેપ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં ટ્રમ્પ પ્રશાસને સેંકડો વીડિયો, ફોટો અને જૂના
સરકારી રેકોર્ડ પણ જાહેર કર્યા છે. આ દસ્તાવેજોમાં દાવો કરવામાં આવ્યો છે કે, 1960ના
દાયકામાં કેટલાક લોકોએ નાના કદના યુએફઓમાંથી ભેદી જીવોને બહાર નીકળતા જોયા હતા. આ ફાઇલોમાં
સૌથી વધુ ચર્ચા નાસાનાં એપોલો અભિયાનની તસવીરોની થઈ રહી છે. જેમાં અંતરિક્ષ યાત્રીઓ
વચ્ચે થયેલી વાતચીતનો રેકોર્ડ પણ છે અને ચંદ્રની સપાટી ઉપર આકાશમાં ત્રણ રહસ્યમય બિંદુ
દેખાવાનો દાવો પણ સામેલ છે. જેને પણ યુએફઓ સાથે સાંકળીને જોવામાં આવે છે. ચંદ્ર ઉપર
ઉતરાણનાં સ્થળેથી લેવામાં આવેલી તસવીરોમાં પણ કેટલીક રહસ્યમય ચીજો દેખાવાનું આમાં કહેવામાં
આવેલું છે અને તેને પણ અજ્ઞાત ઘટના તરીકે વર્ણવવામાં આવેલું છે. જે દસ્તાવેજો બહાર
પડાયા છે તેમાં નાસાના એપોલો-12 અને એપોલો-17 મિશનથી જોડાયેલી તસવીરો અને વાતચીતના
રેકર્ડ પણ સામેલ છે. એક તસવીરમાં ચંદ્રની સપાટીથી ઉપરના આકાશમાં ત્રણ રહસ્યમયી બિંદુ
દેખાયાનો દાવો કરવામાં આવ્યો છે.
સૌથી
રસપ્રદ હિસ્સો એપોલો-17 મિશનની ટ્રાન્સક્રીપ્ટ માનવામાં આવે છે. તેમાં અંતરીક્ષ યાત્રી
ઉડાન દરમ્યાન અંતરીક્ષયાન પાસે ચમકતી વસ્તુ દેખાયાની વાત કરતા સંભળાઈ
રહ્યા
છે.