• મંગળવાર, 03 માર્ચ, 2026

અજમેર દરગાહ પર ચાદરપોશી પ્રથા રોકવા કોર્ટમાં અરજી હિન્દુ સેનાની અરજી પરથી કેન્દ્ર સરકારને નોટિસ જારી

નવી દિલ્હી, તા.6 : અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર દર વર્ષે યોજાતી ચાદરપોશી પર વિવાદ વધ્યો છે. હિન્દુ સેના દ્વારા દાખલ અરજી પર જિલ્લા અદાલતે કેન્દ્ર સરકારના લઘુમતી બાબતોના મંત્રાલયને નોટિસ જારી કરીને 10મી ડિસેમ્બરે યોજાનારી સુનાવણીમાં પોતાનો પક્ષ સ્પષ્ટ કરવા જણાવ્યું હતું.

હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની જિલ્લા અદાલતમાં દાખલ કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અજમેર દરગાહ મૂળ રીતે ભગવાન શિવનું પ્રાચીન મંદિર હતું અને આ સંબંધમાં કેસ અગાઉથી જ કોર્ટમાં પડતર છે. આવા સંજોગોમાં વડાપ્રધાન સહિત બંધારણીય પદો પર રહેલા લોકો દ્વારા ઉર્સના અવસર પર ચાદર મોકલવી ખોટો સંદેશ આપે છે અને મુસ્લિમ પક્ષ ચાદરપોશીને પોતાના સમર્થનમાં કોર્ટમાં રજૂ કરે છે. જ્યાં સુધી મૂળ કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી ચાદરપ્રથા પર રોક લગાવવામાં આવે તેવી માંગ અરજીમાં કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે અજમેર દરગાહનો વાર્ષિક ઉર્સ આ વખતે 16 ડિસેમ્બરથી શરૂ થવાનો છે. પરંપરાગત રીતે વડાપ્રધાન, મુખ્યમંત્રી અને અન્ય બંધારણીય પદ પર બેઠેલા લોકો ઉર્સ દરમ્યાન દરગાહ પર ચાદર મોકલતા હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક