• શનિવાર, 19 જુલાઈ, 2025

21 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર : 9 દિવસ લંબાવાયું

કેન્દ્ર 8 ખરડા રજૂ કરશે, કોંગ્રેસે માગ્યો કાશ્મીર માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો

નવી દિલ્હી, તા.16 : સંસદનું આગામી ચોમાસું સત્ર 9 દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. દરમિયાન મોદી સરકાર 8 ખરડા રજૂ કરી પસાર કરાવવાની તૈયારીમાં છે. બીજીતરફ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખી જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે ચોમાસું સત્રમાં જ ખરડો લાવવાની માગ કરી છે. તેમણે કેન્દ્ર શાસિત લદાખ માટે પણ બંધારણની છઠ્ઠી અનુસૂચી હેઠળ સામેલ કરવા વિધેયક લાવવા માગ કરી છે.

સંસદનું ચોમાસું સત્ર ર1 જુલાઈથી શરૂ થઈને ર1 ઓગસ્ટ સુધી ચાલશે. પહેલા તે 1ર ઓગષ્ટ સુધી પ્રસ્તાવિત હતું જેને બાદમાં એક સપ્તાહ લંબાવી દેવાયું છે. લોકસભા સચિવાલયે જે મુખ્ય ખરડાઓની માહિતી આપી છે તેમાં ટેકસ, શિક્ષણ, ખેલ અને ખનિજ નીતિ સાથે જોડાયેલા ખરડા સામેલ છે. લોકસભામાં મણિપુર વસ્તુ તથા સેવા કર (સંશોધન) વિધેયક ર0રપ, જનવિશ્વાસ સંશોધન વિધેયક ર0રપ, ભારતીય પ્રબંધ સંસ્થાન સંશોધન વિધેયક ર0રપ, કરાધાન કાયદો સંશોધન વિધેયક ર0રપ, ભૂ ધરોહર સ્થળ અને ભૂ અવશેષ સંરક્ષણ અને રખરખાવ વિધેયક ર0રપ, ખનિજ અને ખાણ વિકાસ અને વિનિયમન સંશોધન વિધેયક ર0રપ, રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક ર0રપ અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંશોધન વિધેયક ર0રપ રજૂ કરવામાં આવી શકે છે.

ઉપરાંત ગોવામાં અનુસૂચિત જનજાતિઓના વિધાનસભા ક્ષેત્રોમાં પુન:પ્રતિનિધિત્વ નિર્ધારણ વિધેયક ર0ર4, મર્ચન્ટ શિપિંગ વિધેયક ર0ર4, ભારતીય બંદરગાહ વિધેયક ર0રપ અને  આયકર વિધેયક ર0રપને પસાર કરાવવા રજૂ કરવામાં આવશે. સંસદની વિધાયી શાખા અનુસાર આ વખતે તમામ સાંસદોને મેમ્બર્સ પોર્ટલના માધ્યમથી જ સમન અને સૂચનાઓ મોકલવામાં આવશે. તમામ સાંસદોને સત્રના શેડયૂલ અને વિધાયી કાર્યક્રમની માહિતી ડિજિટલ સ્વરુપમાં આપવામાં આવી છે.

-----------------

સાંસદો હવે આરોગશે પૌષ્ટિક આહાર

સંસદની કેન્ટીનનું મેનૂ બદલાયું : સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ સામેલ કરવામાં આવી

નવી દિલ્હી, તા.16: સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જ દેશની તમામ કેન્દ્રીય સંસ્થાઓને સ્વાસ્થ્યપ્રદ ભોજન માટે માર્ગદર્શિકા આપી હતી. જેમાં આ સંસ્થાઓને ભોજનમાં સ્યૂગર અને ફેટનું પ્રમાણ દર્શાવતા બોર્ડ લગાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ દિશામાં આગળ વધતા હવે સંસદની કેન્ટીનનાં મેનૂમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે અને સાંસદોનાં ભોજનમાં પણ પૌષ્ટિક આહાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

સંસદની કેન્ટીનનાં નવા મેનૂને સ્વાસ્થ્યને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ઓછા કાર્બોહાઈડ્રેટ, ઓછું સોડિયમ અને કેલરીની ડિશ સામેલ છે. આ ભોજનમાં પ્રોટીન અને ફાઈબરની ઉચ્ચ ગુણવત્તા પણ ધ્યાને રાખવામાં આવી છે. સંસદની કેન્ટીનનાં ભોજનમાં હવે સફરજન, કેળા જેવા પૌષ્ટિક ફળોને સામેલ કરાયા છે. આ ઉપરાંત જવ અને જુવારનાં સલાડ, ગાર્ડન ફ્રેશ સલાડ, સ્પ્રાઉટ્સ સલાડ અને છોલે ચાટનો પણ સમાવેશ થયો છે. આ ઉપરાંત સૂપમાં ટમેટા, તુલસી શોરબાનું સૂપ, શાકભાજીનાં સૂપ અને ચિકન સૂપ પણ ત્યાં પીરસવામાં આવશે. સાંસદોને હવે હેલ્ધી બાઈટ્સમાં સોયા કબાબ, રાગી મિલેટ ઈડલી, જુવાર ઉપમા, પૌવા, વેજમિલેટ ખિચડી, મખાના ભેળ, મગદાળ પણ પીરસવામાં આવશે. મીઠાઈની વાત કરવામાં આવે તો કેન્ટીનમાં હવે સ્યૂગર ફ્રી મિલેટ ખીર ઉમેરવામાં આવી છે. માંસાહારીઓ માટે ગ્રિલ્ડ ચિકન અને ફિશ સાથે બાફેલા શાકભાજી સામેલ કરાયા છે. આ ઉપરાંત આઈસ ટી, ગ્રીન અને હર્બલ ટી, કેરલા લચ્છી, પ્લેન છાશ, મસાલા છાશ, આમપન્ના પણ કેન્ટીનમાં મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક