• રવિવાર, 06 જુલાઈ, 2025

હિમાચલને ધમરોળતું ચોમાસું : રાજસ્થાન, કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી

હિમાચલ પ્રદેશમાં 13 દિવસમાં 63 લોકોએ જીવ ગુમાવ્યો : રાજસ્થાનના ઝાલોરમાં અત્યાર સુધીમાં 136 મી.મી. વરસાદ

નવી દિલ્હી, તા. 4 : હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ શરૂઆતી દિવસોમાં જ ભારે તબાહી મચાવી છે. 20 જૂનના રાજ્યમાં ચોમાસાના પ્રવેશ બાદથી માત્ર 13 દિવસમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલન જેવી ઘટનાઓમાં 63 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે તેમજ 40 લોકો લાપતા છે. રાજસ્વ વિભાગના આંકડા અનુસાર પ્રાકૃતિક આફતના કારણે રાજ્યને આશરે 400 કરોડથી વધારેનું નુકસાન થયું છે. બીજી તરફ દેશના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું બેસી ગયા બાદ વરસાદ અને આંધી તોફાનનો દોર હજી ચાલુ રહેશે તેવું અનુમાન આઈએમડીએ વ્યક્ત કર્યું છે.

રાજસ્થાનમાં ચોમાસું વરસાદનો બીજો દોર ચાલી રહ્યો છે અને ઘણા સ્થળોએ મૂશળધાર વરસાદ થયો છે. હવામાન કેન્દ્ર અનુસાર અત્યારસુધીમાં સર્વાધિક 136.5 મી.મી. વરસાદ ઝાલોરમાં નોંધાયો છે. સતત થઈ રહેલા વરસાદથી ઘણા સ્થળે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને પૂર્વી રાજસ્થાનમાં અનેક જિલ્લામાં સતત ભારે વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જયપુર કેન્દ્ર અનુસાર આગામી ચાર પાંચ દિવસ પૂર્વી રાજસ્થાનના કોટા, અજમેર, જયપુર, ભરતપુર, ઉદયપુરના હિસ્સામાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની અને અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં ફાટવાની અને તેને સંબંધિત બનાવોમાં વધુ એક મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક 14 થયો છે. બનાવમાં પાંચને ઈજા પહોંચી હતી અને લાપતા થયેલા 31 લોકોની તલાશ ચાલી રહી છે. આ દરમિયાન કિન્નૌર અને લાહોલ, સ્પીતિ જિલ્લાને છોડીને પુરા રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આઈએમડીએ કર્ણાટકમાં પણ આગામી સાત દિવસ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક