• શનિવાર, 27 જુલાઈ, 2024

સુરતમાં અકસ્માત બે યુવકનાં મૃત્યુ યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત, તા. 10: શહેરમાં અકસ્માત મૃત્યુ અને આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માત મૃત્યુમાં 2 અને આપઘાતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. પહેલાં બનાવમાં શહેરના પલસાણા વિસ્તારમાં રહેતો અને મૂળ મહારાષ્ટ્રનો વતની આકાશ પંડિત સુથાર(મિસ્ત્રી)(ઉં.26) ગતરોજ તેના ભાઈ પવન તેમજ મિત્ર ઈશ્વર, યોગેશ, મહેશ સાથે ટિમ્બા ગામની સીમમાં ટિમ્બાથી બોધાન જતા રોડ ઉપર આવેલ તાપી નદીના પુલની બાજુમાં આવેલ તાપી નદીનાં પાણીમાં નાહવા માટે ગયો હતો. જ્યાં નાહતા નાહતા નદીમાં દૂર ઊંડા પાણી સુધી જતા ઈશ્વર તથા આકાશ ડૂબવા લાગ્યા હતા. જેથી ઈશ્વરે બુમાબુમ પાડતા ત્યાં નજીકમાં નાહતા માણસોમાંથી એક માણસે ઈશ્વરને બચાવી લીધો હતો પરંતુ આકાશને બચાવવા જતાં તે નદીનાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. નદીનાં પાણીમાં આકાશની શોધખોળ કરતા મૃત હાલતમાં મળી આવ્યો હતો. આકાશનાં મૃત્યુને પગલે પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

જ્યારે બીજા બનાવમાં વરેલી ગામમાં રહેતો અને મૂળ બિહારનો વતની સંદીપભાઈ રામજી રામ (ઉં.23) એ પલસાણા ગામની સીમમાં કાલાઘોડા ખાતે આવેલ સિદ્ધેશ્વર પ્રિન્ટિંગ્સ પ્રા.લિ. મીલના ગ્રે વિભાગમાં પતરાનો સેડમાં પતરા બદલવાનું કામ કરતો હતો. દરમિયાન સિમેન્ટનું પતરું તૂટી જતાં બાકોરામાંથી નીચે પડી જતા સંદીપને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

ત્રીજા બનાવમાં પલસાણા વિસ્તારની તાંતીથૈયા મહાદેવનગર સોસાયટીમાં રહેતો સંજયકાંત સંતોષભાઈ મણીરામ ગુપ્તા(ઉં.21) મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ગતરોજ સંજયકાંતે કોઈ અગમ્ય કારણસર ઘરમાં લગાડેલા પંખાના હૂક સાથે પીળા કલરના રૂમાલના ગમછા વડે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક