• મંગળવાર, 17 માર્ચ, 2026

ચાબહાર પાસે ઈરાનનાં સૈન્ય ઠેકાણાં ઉપર અમેરિકાનો હુમલો

અમેરિકાનાં સાથી દેશો માટે હોર્મુઝ બંધ જ રાખવા ઈરાનની ફરી ધમકી

 

નવી દિલ્હી, તા.16: ભારતનું જ્યા અબજો ડોલરનું રોકાણ છે તેવા ચાબહાર મુક્ત વેપાર ક્ષેત્રમાં ઈરાનનાં સૈન્ય મથકને અમેરિકાનાં યુદ્ધ વિમાનોએ નિશાને લઈને હુમલો બોલાવી દીધો હતો. બીજીબાજુ ઈઝરાયલે આજે દાવો કર્યો હતો કે, ઈરાનનાં પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેની દ્વારા વપરાતું વિમાન પણ નષ્ટ કરી નાખવામાં આવ્યું છે.

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો માર્ગ બંધ કરી દીધો તેનાં જવાબમાં અમેરિકાએ હવે ચાબહાર બંદરે મુક્ત વેપાર ક્ષેત્ર ઉપર આક્રમણ શરૂ કરી દીધું છે. ચાબહાર મધ્યએશિયાને હિંદ મહાસાગર સાથે જોડે છે. જે ઈરાનની ખાડીનાં કિનારે સ્થિત છે. આનાથી ઈરાનને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉપયોગ કર્યા વિના હિંદ મહાસાગરની પહોંચ આપે છે. આ મુક્ત વેપાર ક્ષેત્ર પાસે આવેલા એક પહાડ ઉપર સ્થિત ઈરાનનાં સૈન્ય મથક ઉપર અમેરિકાનાં યુદ્ધ વિમાનોએ હુમલો બોલાવી દીધો છે.

દરમિયાન ઈરાન તરફથી હોર્મુઝ મુદ્દે આજે ઘોષણા કરવામાં આવી હતી કે, દેશ ઉપર આ કાયરતાપૂર્ણ હુમલો કરનારા દેશો અને તેનાં સાથી દેશો માટે આ સમુદ્રી માર્ગ બંધ જ રહેશે. એટલે કે, આ યુદ્ધમાં જેની ભૂમિકા નથી તેવા દેશોને હવે હોર્મુઝમાંથી માલ પરિવહનની છૂટ આપવામાં આવી શકે છે.

બીજી તરફ અમેરિકા અને ઈઝરાયલે ઈરાનમાં તેહરાન, હામદાન, ઈશ્ફાન ઉપર બોમ્બ વરસાવવાનું ચાલુ રાખ્યું હતું. સામે પક્ષે ઈરાને પણ ઈઝરાયલને હચમચાવતા હુમલા અટકાવ્યા નહોતાં.

દરમિયાન ઈરાને આજે દુબઈ એરપોર્ટને ફરીથી નિશાને લીધું હતું. ડ્રોન હુમલાને પગલે એરપોર્ટ બંધ કરી દેવું પડયું હતું. જેને પગલે કોચ્ચિથી દુબઈ જતી એક ફ્લાઈટને પણ પાછી વાળી લેવી પડી હતી.

યુએઈનાં જણાવ્યા પ્રમાણે ફુઝૈરાહ ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર પણ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. દક્ષિણ લેબનોનમાં ઈઝરાયલે ફરીથી મિસાઈલની નવી લહેર ચલાવી નાખી હતી અને ભારે ખાનાખરાબી મચાવી હતી. જેને પગલે મૃત્યુઆંક વધીને 850 થઈ ગયો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક