• રવિવાર, 05 મે, 2024

ભાવનગરમાં યુવક પર પિતા-પુત્રએ કરેલ હુમલાનો બનાવ હત્યામાં પલટાયો જેસર તાલુકાના વીરપુર ગામે મુરઘી લેવા પ્રશ્ને થયો’તો ડખ્ખો

ભાવનગર, તા.25: ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામમાં રહેતા બે મિત્રો જેસર મુરઘી લેવા માટે ગયા તે દરમિયાન મુરઘી લેવા બાબતે પિતા-પુત્ર સાથે બોલાચાલી થતા પિતા પુત્રએ બંને યુવકને લાકડાના ધોકા વડે અને  મૂંઢમાર મારી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ જેનું સારવાર દરમિયાન મોત નિપજતા મારામારીનો બનાવ હત્યામાં પરિણામ્યો છે.

આ બનાવ અંગે  પ્રાપ્ત વિગત મુજબ જેસર તાલુકાના વીરપુર ગામમાં રહેતા ભગતભાઈ કાબાભાઈ મકવાણા અને તેમના મિત્ર જીતુભાઈ લક્ષ્મણભાઈ ગોહિલ ગત તા.19/04 ના રોજ સાંજના સમયે મુરઘી લેવા માટે જેસરના ત્રણ ખુણીયા વિસ્તારમાં આવેલ મસ્જિદ પાસે ગયા હતા ત્યાં હાજર ધનાભાઈ ખેરાળા અને તેના દીકરા કૌશિકભાઈ ધનાભાઈ ખેરાળા સાથે જીતુભાઈ ગોહિલને મુરઘી લેવા બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા ધનાભાઈએ ત્યાં પડેલ ધોકા વડે જીતુભાઈના માથાના ભાગે હ્નમલો કરતા જીતુભાઈ ઢળી પડયા હતા, દરમિયાન ભગતભાઈ પણ વચ્ચે પડતા તેને પણ લાકડાનો ધોકો ફટકારી પિતા પુત્રએ  ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી.

આ બનાવમાં ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર માટે પ્રથમ જેસર સરકારી દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા. વળતા દિવસે જીતુભાઈને માથાના ભાગે દુ:ખાવો થતા તેમને વધુ સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવતા ત્યાં તેમને હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં મારામારીનો આ બનાવ હત્યામાં પરિણમ્યો છે.

 આ બનાવ અંગે ભગતભાઈ કાબાભાઈ મકવાણાએ જેસર ગામમાં રહેતા ધનાભાઈ ખેરાળા અને તેના દીકરા કૌશિક ધનાભાઇ કેરાળા વિરુદ્ધ જેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક