પથ્થર
અને લાકડાના ફટકા મારી સગા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો; હત્યાના બનાવમાં નાના ભાઈને ગણતરીના
કલાકોમાં ઝડપી લેવાયો
વેરાવળ,
તા.24: વેરાવળ શહેરમાં પારિવારિક ઝઘડાએ લોહિયાળ વળાંક લેતાં સગા નાના ભાઈએ જ મોટા ભાઈની
હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઈ છે. રેલવે સ્ટેશન સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં જમવાનું
માંગવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉશ્કેરાયેલા
નાના ભાઈએ પથ્થર અને લાકડાના ફટકા મારી મોટા ભાઈ પર હુમલો કરતાં ગંભીર ઇજાઓને કારણે
તેનું મૃત્યુ નીપજ્યું હતું. એક જ પરિવારના બે ભાઈઓ વચ્ચેના ઝઘડાનો કરુણ અંજામ આવતાં
સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
પોલીસની
પ્રાથમિક વિગતો મુજબ, ગત તા.23 નવેમ્બરની રાત્રે આશરે આઠ વાગ્યે સુરેશ મનજીભાઈ સોલંકીએ
પોતાના નાના ભાઈ ભોલા મનજીભાઈ સોલંકી પાસે જમવાનું માંગ્યું હતું. આ બાબતે બંને વચ્ચે
બોલાચાલી થતાં ભોલાએ ઉશ્કેરાઈને પથ્થર અને લાકડાના ફટકા વડે સુરેશના માથાના ભાગે હુમલો
કર્યો હતો, જેમાં સુરેશનું મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં વેરાવળ સિટી પોલીસ હરકતમાં
આવી હતી અને ઇન્ચાર્જ પી.આઈ. કે.એચ. ચાવડાની આગેવાનીમાં તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં
આરોપી ભોલા સોલંકીને ઝડપી લીધો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નજીવા પારિવારિક વિવાદમાં મોટા ભાઈની હત્યા થતાં વેરાવળ પંથકમાં આ બનાવ ચર્ચાનું કેન્દ્ર
બન્યો છે.