• બુધવાર, 25 નવેમ્બર, 2026

કાર્તિકૈ દીપ પ્રગટયો પણ સુપ્રીમે આદેશ આપ્યો ત્યાં નહીં

-ભારે હોબાળો અને હિંસા વચ્ચે પૂજારીઓની એક નાની ટુકડીએ ઉચ્છિપિલ્લૈયાર મંદિરની ઉપર દીવો પ્રગટાવ્યો

નવી દિલ્હી, તા.24: તણાવ અને વિવાદ વચ્ચે તમિલનાડુના મદુરાઈ સ્થિત થિરુપરનકુંદ્રમ પહાડી પર કાર્તિકૈ દીપમ ઉત્સવના અવસરે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામી મંદિરના પૂજારીઓની એક નાની ટુકડીએ ઉચ્છિપિલ્લૈયાર મંદિરની ઉપર આવેલા પરંપરાગત સ્થળે આ દીવો પ્રગટાવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં મંજૂરી આપી હોવા છતાં દીપાથૂન નામના પથ્થરના સ્તંભ પર દીવો પ્રગટાવવામાં આવ્યો નહોતો.

આ ઘટના સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશના થોડા દિવસો બાદ બની હતી. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે થિરુપરનકુંદ્રમ પહાડીની ટોચ પર આવેલા દીપાથૂન પર પરંપરાગત રીતે તેલનો દીવો પ્રગટાવી શકાય છે. આમ છતાં, મંદિર વહીવટીતંત્ર અને સ્થાનિક વહીવટીતંત્રે દીપાથૂનને બદલે ઉચ્છિપિલ્લૈયાર મંદિરની ઉપર દીવો પ્રગટાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ ભારે હોબાળો મચી ગયો છે. અનેક સ્થળોએ મારામારી અને ઘર્ષણના અહેવાલો પણ સામે આવ્યા છે. હિન્દુ સંગઠનોએ વિરોધ-પ્રદર્શન શરૂ કરી દીધાં છે. હકીકતમાં, સમારોહ શરૂ થાય તે પહેલાં જ વાતાવરણ તંગ બની ગયું હતું. પહાડી તરફ જતા રસ્તાના પ્રવેશદ્વાર પર હિન્દુ સંગઠનોના સભ્યો અને ભક્તો એકત્રિત થઈ ગયા હતા. તેમણે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને માગ કરી કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને દીપાથૂન પર જ દીવો પ્રગટાવવામાં આવે.

પરિસ્થિતિ વણસવાની આશંકા વ્યક્ત કરીને પોલીસે અનેક લોકોને બળજબરીથી અટકાયતમાં લીધા હતા. આ દરમિયાન ઘર્ષણ અને મારામારી થઈ હોવાની વાત પણ સામે આવી છે. જોકે, પોલીસે સમયસર પરિસ્થિતિ સંભાળી લીધી હતી. ઉલ્લેખનીય છે કે સમારોહ પહેલાં જ પોલીસે અનેક પ્રકારનાં નિયંત્રણો લાદી દીધાં હતાં. આ નિયંત્રણોને કારણે તમિલનાડુના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા અનેક નેતાઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમારોહ યોજાયો હતો. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા અને પહાડી પર જતા લોકોની તપાસ કરવામાં આવી રહી હતી.

હકીકતમાં, આ સમગ્ર વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હિન્દુ સમૂહો અને ભક્તોની માગ છે કે દર વર્ષે કાર્તિકૈ દીપમ ઉત્સવ દરમિયાન દીપાથૂન પર જ પરંપરાગત તેલનો દીવો પ્રગટાવવામાં આવે. દીપાથૂન થિરુપરનકુંદ્રમ પહાડીના ઉપરના ભાગમાં આવેલો એક પ્રાચીન પથ્થરનો સ્તંભ છે, જેને હિન્દુ પક્ષ પરંપરાગત સ્થળ માને છે.  હિન્દુ સંગઠનોનું કહેવું છે કે દીપાથૂન પર દીવો પ્રગટાવવો તેમની જૂની પરંપરા છે, જ્યારે વહીવટીતંત્ર અને કેટલાક અન્ય પક્ષો સુરક્ષા તથા અન્ય કારણોનો હવાલો આપતા રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક