• બુધવાર, 25 નવેમ્બર, 2026

બાબરામાં મહિલાની હત્યા કરનાર પતિ સામે ફરિયાદ

માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા; પતિ અને પુત્ર ધોળેરામાં ઝેરી દવા પીધા બાદ ઘરમાંથી મળ્યો મૃતદેહ

અમરેલી,તા.24: બાબરા શહેરની ખોજા શેરીમાં 42 વર્ષીય મહિલાનો ઘરમાંથી મૃતદેહ મળી આવવાના બનાવમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું છે. મહિલાના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ બનાવમાં મૃતકના ભાઈએ પતિ સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, શારદાબેન ગોહિલના પતિ અને પુત્ર ધોળેરા ખાતે ઝેરી દવા પી ગયા હતા. બીજી તરફ શારદાબેન ફોન ઉપાડતાં ન હોવાથી બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તેમના ઘરે તપાસ કરતાં ઘરમાંથી શારદાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન તેમના માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું.

મૃતકના ભાઈએ બાબરા પોલીસ મથકમાં તેમના બનેવી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન લાઠીના નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતાએ પ્રેસ સંબોધન કરી તપાસની વિગતો આપી હતી. હાલ બાબરા પોલીસના પી.આઈ. દ્વારા સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બનાવથી બાબરા પંથકમાં ચકચાર મચી છે.

ઇ-પેપરના નવા શુલ્ક