• શનિવાર, 22 ઑગસ્ટ, 2026

લાંચ લેનારા અમદાવાદના આવકવેરા અધિકારીને 3 વર્ષની કેદ, 20 હજારનો દંડ

રૂ.10 હજારની લાંચ સ્વીકારતા સીબીઆઈના છટકામાં રંગેહાથ ઝડપાયા હતા

અમદાવાદ, તા.21 : અમદાવાદના આવકવેરા અધિકારી (ઓએસડી) જરનૈલ બી. સિંહને લાંચના કેસમાં અમદાવાદની સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.20 હજારનો દંડ પણ કર્યો છે.

સીબીઆઈએ 22 ફેબ્રુઆરી, 2013ના રોજ આ કેસ નોંધ્યો હતો. આરોપ મુજબ, જરનૈલ બી. સિંહે ‘શ્રીલેખા વિવિધલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ’ને આવકવેરા કાયદાની કલમ 11 અને 80જી હેઠળ પ્રમાણપત્ર આપવા તથા કરમુક્તિનો લાભ અપાવવા માટે ફરિયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ માગી હતી. ફરિયાદ મળ્યા બાદ સીબીઆઈએ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન અધિકારી ફરિયાદી પાસેથી રૂ.10 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ત્યારબાદ 22 ફેબ્રુઆરી, 2013ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ સીબીઆઈએ 31 ઓક્ટોબર, 2013ના રોજ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની સુનાવણી અને પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે 21 ઓગસ્ટ, 2026ના રોજ આરોપીને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને રૂ.20 હજારના દંડની સજા સંભળાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક