સ્વતંત્ર મહિલા દેશની સૌથી મોટી તાકાત : છાત્રોં કી ગુંજમાં રાહુલનું સંબોધન
પુણે,તા.22:
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પુણેમાં છાત્રોં કી ગુંજ
કાર્યક્રમમાં મહિલાઓની સ્વતંત્રતા અને સુરક્ષાનો મુદ્દો ઉઠાવતા મનુસ્મૃતિનો હવાલો આપ્યો
હતો અને કહ્યું હતું કે, દેશની સૌથી મોટી તાકાત મહિલાઓ સ્વતંત્ર બનીને આત્મવિશ્વાસથી
આગળ વધે તેમાં છે. મહિલાઓ સ્વભાવથી પુરુષોની સરખામણીમાં વધુ સંવેદનશીલ, સૌમ્ય, દયાળુ
અને દૂરંદેશી હોય છે. આ જ કારણથી ભારતની મહિલાઓ દેશની સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે
પણ હું કોઈ પુરુષ સાથે વાત કરું છું, ત્યારે મહિલાઓને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવે
છે. તેમને પુત્રી, પત્ની અથવા માતા તરીકે જોવામાં આવે છે. પત્ની, પુત્રી અથવા માતા
તરીકે જોવામાં કંઈ ખોટું નથી. પરંતુ આ તમારી એકમાત્ર ઓળખ ન હોઈ શકે. એવું ન બની શકે
કે આપણી પાસે અદ્ભુત મહિલાઓ હોય, જે ખૂબ જ રસપ્રદ અને અલગ-અલગ ક્ષેત્રોમાં કામ કરી
રહી હોય, જે પ્રોફેશનલ હોય, ખેલાડી હોય અને અનેક પ્રકારનાં કામ કરતી હોય, છતાં આપણા
પુરુષો તેમને માત્ર આ ત્રણ જ સ્વરૂપોમાં ઓળખે.
રાહુલ
ગાંધીએ કહ્યું કે, મનુસ્મૃતિ કહે છે- બાળપણમાં મહિલા પોતાના પિતાની હોય છે. યુવાનીમાં
તે પોતાના પતિની હોય છે. પતિના મૃત્યુ બાદ તે પોતાના પુત્રોની હોય છે. મહિલાએ ક્યારેય
સ્વતંત્ર ન હોવું તે મનુસ્મૃતિનું સીધું અવતરણ છે અને આ શબ્દો શરમજનક છે, કારણ કે આવા
શબ્દો ક્યારેય કહેવા જ ન જોઈએ.
રાહુલ
ગાંધીએ કહ્યું કે મનુસ્મૃતિ કહે છે કે મહિલાએ ક્યારેય સ્વતંત્ર ન થવું જોઈએ. પરંતુ
મારું માનવું છે કે આ દેશની સૌથી મોટી તાકાત એ છે કે આપણી મહિલાઓ સ્વતંત્ર હોય, પોતાના
માટે અવાજ ઉઠાવે અને પોતાનામાં વિશ્વાસ રાખે. પિતા, ભાઈ, પતિ અથવા પુત્ર સાથે તમારા
સંબંધો હોઈ શકે છે, પરંતુ તમે તેમની સંપત્તિ નથી. તમે સ્વતંત્ર છો.
આ કાર્યક્રમ
પહેલાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બની ગયો છે.
ભાજપના ધારાસભ્ય રામ કદમે આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પૈસા આપીને
લાવવામાં આવી રહ્યા છે, જ્યારે કોંગ્રેસે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.