શેત્રુંજી નદી પાર કરાવવાની રુટીન કામગીરી દરમિયાન બની ઘટના; હુમલાખોર સિંહણને પકડવા વન વિભાગની કવાયત શરૂ
અમરેલી તા.16: અમરેલીના ચાંદગઢ
ગામની સીમમાં શેત્રુંજી નદી પાસે સિંહણના અચાનક હુમલાની ઘટના બની છે. સિંહણની હિલચાલ
પર નજર રાખવા અને તેને નદી પાર કરાવવાની રુટીન કામગીરી દરમિયાન વનવિભાગની ટ્રેકર ટીમને
જ સિંહણના હુમલાનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન સિંહણે ટ્રેકર ગોસાભાઈ પર અચાનક
હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે વનવિભાગે સિંહણને
પાંજરે પૂરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી સમગ્ર વિસ્તારમાં પેટ્રાલિંગ વધારી દીધું છે.
મળતી માહિતી મુજબ, અમરેલી તાલુકાના
ચાંદગઢ ગામની સીમ વિસ્તારમાં શેત્રુંજી નદી પાર કરીને એક સિંહણ આવી હતી. વન વિભાગની
ત્રણ ટ્રેકરની ટીમ સિંહણની હિલચાલ પર નજર રાખવા અને તેને સુરક્ષિત રીતે શેત્રુંજી નદી
પાર કરાવવાની પોતાની રુટીન કામગીરી કરી રહી હતી. આ દરમિયાન ટ્રેકર ગોસાભાઈ સહિતની ટીમ
સિંહણનું સ્કાનિંગ કરી રહી હતી, ત્યારે અચાનક જ ઉશ્કેરાયેલી સિંહણે ટ્રેકર ગોસાભાઈ
પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે
ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ
દ્વારા હુમલાખોર સિંહણને પાંજરે પૂરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી
છે. જોકે, સિંહણ સતત અલગ-અલગ સ્થળોએ હિલચાલ બદલી રહી હોવાથી તેનું સચોટ લોકેશન ટ્રેસ
કરવું વન વિભાગ માટે પડકારજનક બન્યું છે.
અગાઉ પણ ચાંદગઢ અને આસપાસના વિસ્તારમાં
આ સિંહણ જોવા મળી હતી. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રાલિંગ વધારી
દેવામાં આવ્યું છે અને સિંહણની હિલચાલ પર સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.