કંપનીનાં નામે ડુપ્લિકેટ દવા બનાવી ખેડૂતો સાથે છેતરાપિંડી,
બે
સામે ગુનો
ગોંડલ,
તા.14 : ગોંડલ તાલુકાના ભૂણાવા ગામે આવેલા જય ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પોલીસે દરોડો પાડી
નકલી જંતુનાશક દવા બનાવવાનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજકોટની જાણીતી જંતુનાશક
દવા ઉત્પાદક કંપનીના નામે ડુપ્લિકેટ માલ બનાવી તેનું વેચાણ કરવાના આરોપસર બે શખસ સામે
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ફરિયાદ
મુજબ, રાજકોટના બાલાજી હોલ નજીક રહેતા અને શાપર-વેરાવળ ખાતે એફીલ્ડ ક્રોપ કેર નામની
ફેક્ટરી ધરાવતા કૌશિકભાઈ પુરુષોત્તમભાઈ ઠુમરને બાતમી મળી હતી. તેમણે પોલીસ સાથે ભૂણાવા
ગામે તપાસ કરતાં મેટલ એગ્રી ઇન્ડસ્ટ્રીઝ શેડમાં નકલી જંતુનાશક દવાનું ઉત્પાદન થતું
હોવાનું સામે આવ્યું હતું. પોલીસ તપાસમાં આરોપીઓ સનીત ભરતભાઈ વરસાણિયા અને સ્મીત ગીરધરભાઈ
લીલા પ્રોફકો સુપર નામની મૂળ કંપનીની પેદાશના નામે હલકી ગુણવત્તાનું કેમિકલ મિશ્રણ
કરી ડુપ્લિકેટ બોટલમાં પાકિંગ કરતા હોવાનું બહાર આવ્યું હતું. દરોડા દરમિયાન 1 લીટરની
15 અને 500 મિલીલીટરની 26 બોટલ સહિત કુલ રૂ.25,680નો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો.
આરોપીઓ પાસે ઉત્પાદન કે વેચાણનું માન્ય લાયસન્સ પણ નહોતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ
હાથ ધરી છે.