મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહ્વાન : ‘રાષ્ટ્રપ્રથમ’ના ભાવ સાથે 2047 સુધી વિકસિત ગુજરાતના લક્ષ્ય માટે સૌ એકજૂટ થઈએ
80મા
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રીએ ગરીબો, યુવાનો, ખેડૂતો અને
નારીશક્તિને વિકસિત ગુજરાતના ચાર મુખ્ય સ્તંભ ગણાવ્યા
અમરેલી,
તા.16 : અમરેલી ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ
બેન્ડ, મહિલા રાયફલ ડ્રિલ, મોટરસાયકલ સ્ટંટ, ડોગ શો અને અશ્વ શોએ આકર્ષણ જમાવ્યું હતું.
અંતે મુખ્યમંત્રીએ ખુલ્લી જીપમાં નાગરિકોનું અભિવાદન ઝીલ્યું અને વૃક્ષારોપણ કર્યું
હતું. મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના વિકાસનો
સંકલ્પ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રપ્રથમ’ના ભાવ સાથે ગુજરાત 2047 સુધી વિકસિત
ગુજરાતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ
ગુજરાત ‘િવરાસતથી વિકાસ’ના મંત્ર સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. સેમિકંડક્ટર,
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી જેવા નવા ક્ષેત્રો સાથે આયુર્વેદ અને સાંસ્કૃતિક
વિરાસતને પણ વિકાસ સાથે જોડવામાં આવી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં પાત્ર પરિવારોને
ઘર માટે પ્લોટ ઉપલબ્ધ કરાવવા અંગે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગ્રામ પંચાયત પાસે
ગામતળ કે સરકારી જમીન ઉપલબ્ધ ન હોય તો રાજ્ય સરકાર ખાનગી જમીન ખરીદીને પણ પાત્ર પરિવારોને
વિનામૂલ્યે પ્લોટ આપશે.
રાજ્યના
214 રસ્તાઓના 210 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે રૂ. 3,428 કરોડ ફાળવવામાં આવ્યા
છે. આંગણવાડીના 3થી 6 વર્ષના 16.75 લાખથી વધુ બાળકો માટે ગરમ નાસ્તાની સ્થાનિક ખરીદીનો
દર રૂ.5.10થી વધારીને રૂ.8.50 કરવામાં આવ્યો છે. આ માટે સરકાર દ્વારા રૂ.173 કરોડની
વધારાની ફાળવણી કરાઈ છે. બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજનામાં
કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ. 6 લાખથી વધારી રૂ.10 લાખ કરવામાં આવી છે.
મુખ્યમંત્રીએ
વધુમાં જણાવ્યું કે, ચાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દ્વારા રૂ.15.89 લાખ કરોડના
13,255 એમઓયુ થયા છે. ગુજરાત 1600 કિમીના દરિયાકિનારા અને દેશના 40 ટકાથી વધુ કાર્ગો
હેન્ડાલિંગ સાથે બ્લૂ ઈકોનોમીમાં પણ અગ્રેસર છે. આ સાથે મુખ્યમંત્રીએ 2035માં ગુજરાતના
75મા સ્થાપના વર્ષ અને 2047ના વિકસિત ગુજરાતના લક્ષ્યને સાકાર કરવા સૌને એકજૂટ થવા
આહ્વાન કર્યું હતું.