ટ્રમ્પે ફરીથી હોર્મુઝ ઉપર અમેરિકાનાં નિયંત્રણનો દાવો કર્યો : ઈરાને કહ્યું, પહેલાં તમારી સુરક્ષાની ચિંતા કરો
નવીદિલ્હી,
તા.16: અમેરિકા અને ઈરાનનાં ઘર્ષણ મધ્યે આખી દુનિયામાં ઊર્જા સંકટ સર્જાવા માટે નિમિત્ત
બનેલા હોર્મુઝ જળમાર્ગનાં બન્ને કિનારે આવેલા ઈરાન અને ઓમાન વચ્ચે એક નવી સમજૂતી થઈ
છે. આ સમજૂતીની સત્તાવાર વિગતો હજી સુધી બહાર આવી નથી પણ હવે બન્ને દેશ મળીને આ જળમાર્ગનો
ઉપયોગ કરવા માટે ટેક્સની વસૂલાત શરૂ કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.
પ્રાપ્ત
અહેવાલો અનુસાર હોર્મુઝમાંથી બહાર જતાં કોમર્શિયલ જહાજોને ઈરાન સંભાળશે. તેને નિયંત્રિત
કરશે. બીજીબાજુ ઓમાન આ જહાજોની દેખરેખ અને તેનાં પરિચાલનને સંભાળશે. બન્ને દેશ સાથે
મળીને આનાં માટે કોઈ ટોલ ઉઘરાવશે કે નહીં તે હજી સુધી અસ્પષ્ટ છે. જો કે અમેરિકા સાથે
યુદ્ધ વચ્ચે ઈરાન સતત હોર્મુઝમાં ટેક્સની વસૂલાત શરૂ કરવાની ચિમકીઓ ઉચ્ચારતું રહે છે.
સામે
છેડે અમેરિકા આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ બધા માટે નિ:શુલ્ક રહે તેનો આગ્રહ રાખતું આવ્યું
છે. જો કે ઈરાન આમાં પાછળ હટવા માટે તૈયાર નથી. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે હોર્મુઝ ઉપર અમેરિકાનાં નિયંત્રણના દાવા સાથે ઈરાન ઉપર પલટવાર કરતાં કહ્યું
હતું કે, ઈરાનને પછાડીને અમેરિકા હોર્મુઝને પોતાનું ક્ષેત્ર ઘોષિત કરી નાખશે. તો ઈરાનના
નેતા ઈબ્રાહિમ અજીઝીએ કટાક્ષ કર્યો હતો કે, હોર્મુઝ ઉપર દાવો કરવાના બદલે ટ્રમ્પે પહેલા
પોતાની સુરક્ષાની ચિંતા કરવાની જરૂર છે. ક્યાંક ફરીથી તેમને ફૂડ ટ્રકમાં છૂપાવાની નોબત
ન આવી જાય તેની કાળજી રાખવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, નાટો શિખર સંમેલનમાંથી પરત ફરતા
જોખમને ધ્યાને રાખીને ટ્રમ્પે પોતાનું વિમાન અધવચ્ચે બદલી નાખ્યું હતું અને ત્યારે
વિમાન બદલવા માટે તેમને ફૂડ ટ્રકમાં લઈ જવામાં આવેલા. જેનાં હિસાબે હવે ઈરાન ટ્રમ્પ
ઉપર તેનો કટાક્ષ કરી રહ્યું છે.