ઉy.જા નીલમ ગોસ્વામી સામે ગંભીર ફરિયાદ બાદ અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસ કરી રિપોર્ટ આપવા આદેશ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.30 : ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં વકીલને કેસમાંથી હટી જવા માટે દબાણ કરવાના આક્ષેપને
ગંભીરતાથી લીધો છે. વકીલ આનંદ યાજ્ઞિકે આરોપ લગાવ્યો છે કે, અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી
નીલમ ગોસ્વામીએ લોકસાહિત્યકાર દેવાયત ખવડ મારફતે તેમનો સંપર્ક કરી કેસમાંથી ખસી જવા
માટે દબાણ કર્યું હતું. આ મામલે હાઈકોર્ટે અમદાવાદ ગ્રામ્ય એસપીને તપાસ કરી અહેવાલ
રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ સમગ્ર
મામલો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ સાથે જોડાયેલો છે. ખોરજ ગામના
કેટલાક લોકો સામે જમીનમાંથી બાવળિયા દૂર કરવા અને હુમલો કરવા અંગે ફરિયાદ નોંધાઈ હતી.
ત્યારબાદ આરોપી પક્ષે હાઈકોર્ટમાં પોલીસ કાર્યવાહી સામે અરજી કરી હતી, જેમાં એડવોકેટ
આનંદ યાજ્ઞિક વકીલ તરીકે જોડાયા હતા. સુનાવણી દરમિયાન આનંદ યાજ્ઞિકે કોર્ટને જણાવ્યું
હતું કે, તેમને કેસમાંથી હટી જવા માટે ફોન કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે એફિડેવિટમાં
જણાવ્યું કે, દેવાયત ખવડ મારફતે પણ તેમને કેસ છોડવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
તેમણે આ ઘટનાને ન્યાયિક પ્રક્રિયામાં દખલ ગણાવી ડીવાયએસપી સામે કાર્યવાહી કરવાની માગ
કરી છે. હાઈકોર્ટે હાલ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય એસપીએ તપાસ
રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આ કેસની આગામી સુનાવણી 27 ઓગસ્ટના રોજ યોજાશે.