• શુક્રવાર, 31 જુલાઈ, 2026

જામનગર મર્ડરનું ષડયંત્ર એક મહિના પહેલા રચાયું હતું

યુવકની હત્યા કરી દાટવા માટે ખાડો

            એક મહિના પહેલા ખોદાવવામાં આવ્યો હતો

જામનગર, તા.30: જામનગર જિલ્લામાં એક ચકચારી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે, જેમાં હત્યાની ઘટનાના અંદાજે એક મહિના અગાઉથી જ ગંભીર સાજીશ રચવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સૂત્રધાર નિલેશ કછેટિયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં મશીનરી ફિટ કરવાના નામે એક કારખાનું ભાડે રાખ્યું હતું અને ત્યાં અગાઉથી જ 12થી 15 ફૂટ ઊંડો ખાડો તૈયાર કરાવી દીધો હતો. આ યોજનાના ભાગરૂપે ત્રીજા સાગરિત બલવીર દેવીરામ વર્મા દ્વારા સાયનાઇડની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રિના સમયે કારખાનામાં ગોઠવાયેલી દારૂની મહેફિલ દરમિયાન મૃતક જીજ્ઞેશ માવદિયાને જાણ ન થાય તે રીતે તેના ગ્લાસમાં સાયનાઇડ ભેળવી દેવામાં આવ્યું હતું, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ નીપજ્યું હતું.

હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મૃતદેહને અગાઉથી તૈયાર કરેલા ખાડામાં દાટી દીધો હતો અને તેના પર માટી નાખી બે વખત સિમેન્ટનું પ્લાસ્ટર કરી પુરાવા નષ્ટ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ આરોપીઓએ કારખાનું ખાલી કરી દીધું હતું અને ત્યારબાદ પોલીસે બાતમી તથા આરોપીઓની નિશાનીના આધારે ખોદકામ કરાવતાં મૃતકનું હાડાપિંજર, કપડાં અને અન્ય અવશેષો મળી આવ્યા હતા. આ કેસમાં પોલીસે મૃતકની પત્ની પૃથ્વી ઉર્ફે ભૂમિ, નિલેશ કછેટીયા અને બલવીર વર્મા એમ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને ડીએનએ ટેસ્ટ સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક