• ગુરુવાર, 28 મે, 2026

જામનગરમાં બ્રાસપાર્ટના ત્રણ ધંધાર્થી સાથે રૂ. 4.19 કરોડની છેતરાપિંડી

ઉધાર માલ મેળવ્યા બાદ હાથ ઊંચા કરી દીધા : આરોપી ફરાર

જામનગર: જામનગર બ્રાસ ઉદ્યોગ સાથે જોડાયેલા વધુ 3 ધંધાર્થી સાથે છેતરાપિંડીની ઘટના પોલીસ મથકે નોંધાઈ છે. દરેડમાં બ્રાસપાર્ટમાં કારખાનું ધરાવતા એક કારખાનેદાર સાથે તેના જ પૂર્વ કર્મચારીએ વેપાર કરવાના બહાને છેતરાપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ માલિક અને બે પેઢી સાથે વેપાર કરી રૂ.4.19 કરોડની છેતરાપિંડી કરનાર શખસો સામે ગુનો નોંધાયો છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

જામનગરના સુમેર ક્લબ રોડ વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં હાઇટેક એકસ્ટ્રુઝન એલએલપી નામથી બ્રાસના સળિયાનાં ઉત્પાદન તથા ટ્રાડિંગનો વ્યવસાય કરતા વેપારી વસંતભાઈ વૈકુંઠભાઈ કટારિયાએ આનંદ લીલાભાઈ મોઢવાડિયા સહિત 3 શખસ સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવાયા અનુસાર, ફરિયાદીની પેઢીમાં થોડાં વર્ષો પહેલાં આનંદ લીલાભાઈ મોઢવાડિયા કેમિસ્ટ તરીકે નોકરી કરતો હતો. બાદમાં તેણે પોતાની અલગ પેઢી શરૂ કરી બ્રાસના માલના વેપાર માટે પૂર્વ માલિક સાથે વ્યવહાર શરૂ કર્યો હતો. શરૂઆતના થોડા સમય માટે વેપારી સંબંધો બરોબર ચાલ્યા બાદ આરોપીએ ઉધાર વ્યવહાર શરૂ કર્યો હતો અને મોટા પાયે બ્રાસના રોડ અને અન્ય માલની ખરીદી કરી.

 ફરિયાદીના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં કેટલાક વ્યવહારોના પેમેન્ટ નિયમિત આપવામાં આવ્યા હતા, જેનાં કારણે આરોપી પર વિશ્વાસ બેઠો હતો. બાદ આરોપીએ અલગ અલગ બિલ હેઠળ કરોડો રૂપિયાનો માલ ખરીદેલો હોવા છતાં બાકી રકમ ચૂકવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી પાસેથી કુલ રૂ. 3.57 કરોડથી વધુ રકમ લેવાની બાકી નીકળે છે. ઉઘરાણી માટે વેપાર સ્થળ અને રહેણાક સ્થળે તપાસ કરતાં બન્ને સ્થળ બંધ મળી આવ્યા હતા. મોબાઇલ નંબર પણ બંધ આવતા વેપારીઓએ સંપર્ક ગુમાવ્યો હતો. આ દરમિયાન આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક પૈકીનો એક ચેક બેન્કમાં રજૂ કરતા અપૂરતા બેલેન્સનાં કારણે બાઉન્સ થયો હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે.

વધુમાં અન્ય બે વેપારીઓ જતીન ભગતરામ શાહ અને પ્રકાશ ભગતરામ શાહની પેઢીમાથી કુલ રૂ.61,85,644નો બ્રાસનો માલ આ જ રીતે ખરીદ કરી સમાન પ્રકારની છેતરપીંડી થયાની વિગતો સામે આવી હોવાનું જણાવાયું છે. આરોપીએ વેપારીક વિશ્વાસ કેળવી વિવિધ પેઢીમાંથી માલ ખરીદી 4.19 કરોડ રૂપિયાની નાણાકીય ઉચાપત કરી હોવાનો આક્ષેપ છે. આરોપી આનંદ મોઢવાડીયા રફુચક્કર થઈ ગયો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક