• બુધવાર, 15 એપ્રિલ, 2026

ઢોસા કાંડમાં માતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પોલીસે પૂછપરછ કરી તૈયાર ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ જ મૃત્યુ થયું હોવાનું માતાનું રટણ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13: અમદાવાદના ચાંદખેડામાં ડેરીમાંથી લાવેલા ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી બે માસૂમ બાળકીઓના મૃત્યુ થયા હતા. મૃત્યુના કારણ અંગે હજુ રહસ્ય ઘેરાયેલું છે ત્યારે આ કેસમાં બાળકીઓની માતા ભાવના પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસ નિષ્ણાતોની પેનલ દ્વારા બન્નેના મેડિકલ રિપોર્ટની ચકાસણી કરાવશે અને જો તેમાં કંઈ જ નહીં મળે તો અંતે બાળકીઓના મૃત્યુનું કારણ જાણવા પરિવારજનોનો લાઈવ ડિટેક્શન ટેસ્ટ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે.

6 એપ્રિલના રોજ ચાંદખેડાના મારૂતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિના પરિવારે તૈયાર ખીરુ લાવીને ઢોસા ખાધા હતા જેમાં અઢી માસની નાની દીકરી તથા ચાર વર્ષની મોટી દીકરીનું મૃત્યુ થયું હતું. પતિ-પત્નીની તબિયત લથડતા તેઓ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા. સોમવારે માતા ભાવના પ્રજાપતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લાવવામાં આવી હતી. માતાએ ખીરામાંથી ઢોસા ખાધા બાદ જ મૃત્યુ થયું હોવાનું રટણ કર્યું હતું. પોલીસે પિતા વિલમની શંકાસ્પદ ભૂમિકાને ચકાસવા માટે પાંચ દિવસ પહેલાના તેના લોકેશન ટ્રેસ કર્યા છે. વિસ્તારના 50થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસમાં આવ્યા છે. બાળકીનો પીએમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં મોટો ઘટસ્ફોટ થવાની સંભાવના છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક