697માંથી 315 તળાવ વિલુપ્ત, 63 ગુમ થવાના આરે : કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો : વિભાગોની બેદરકારી જવાબદાર
શ્રીનગર,
તા. 13 : જમ્મુ કાશ્મીરમાં એક મોટી પ્રાકૃતિક આફત આવી રહી છે. કેગના નવા રિપોર્ટમાં
ખુલાસો થયો છે કે કાશ્મીરના પ્રાકૃતિક તળાવ ઝડપથી ખતમ થઈ રહ્યા છે. 1967થી અત્યારસુધીમાં
કુલ 2851 હેક્ટર તળાવ ક્ષેત્ર ગાયબ થઈ ચૂક્યું છે. રિપોર્ટમાં સાફ કહેવામાં આવ્યું
છે કે પ્રશાસનની બેદરકારી, પ્રદૂષણ અને સરકારી વિભાગોની ઉદાસીન નીતિના કારણે સંકટ વધારે
ઘેરૂ બની રહ્યું છે.
જમ્મુ
કાશ્મીરમાં કુલ 697 પ્રાકૃતિક તળાવ હતા. જેમાંથી 315 તળાવ પુરી રીતે ખતમ થઈ ચૂક્યા
છે. એટલે કે 45 ટકા તળાવ હવે અસ્તિત્વમાં નથી. આ ઉપરાંત 203 તળાવનો આકાર ખૂબ જ નાનો
થયો છે. જેમાંથી 63એ તો પોતાની અડધાથી વધારે જગ્યા ગુમાવી દીધી છે અને વિલુપ્ત થવાની
અણીએ છે.
કેગના
રિપોર્ટમાં સાફ લખવામાં આવ્યું છે કે તળાવ નાના થવા અને ગાયબ થવાના કારણે 2014ના સપ્ટેમ્બર
મહિનામાં ભયાનક પૂર આવ્યું હતું. તળાવ પ્રાકૃતિક રૂપથી પૂરને રોકવાનું કામ કરે છે.
તળાવને ધરતીની આંખ કહેવામાં આવે છે. જેના નષ્ટ થવાથી કાશ્મીર ઘાટીનું પ્રાકૃતિક સુરક્ષા
તંત્ર પુરી રીતે બરબાદ થયું છે. રિપોર્ટમાં સરકારી વિભાગોની બેદકારીને સામે લાવવામાં
આવી છે. જંગલ, રાજસ્વ, આવાસ અને પર્યટન વિભાગો વચ્ચે જવાબદારી વહેંચાયેલી છે. જો કે
કોઈપણ વિભાગ યોગ્ય રીતે કામ કરી રહ્યો નથી. રિપોર્ટમાં આ પ્રવૃત્તિને બેદાકારીભર્યું
વલણ ગણાવવામાં આવ્યું છે.
વર્ષ
2000માં જ તળાવની સુરક્ષા માટે એક કેન્દ્રીય ઓથોરિટી બનાવવા ડ્રાફ્ટ બીલ તૈયાર કરી
લેવાયું હતું. જો કે 22 વર્ષ વિતી જવા છતા પણ જમ્મુ કાશ્મીરની સરકાર કાયદો બનાવી શકી
નથી.
રિપોર્ટ
અનુસાર માત્ર પ્રમુખ છ તળાવ- ડાલ, વુલર, હોકરસર, માનસબલ, સુરિનસર અને માનસર માટે જ
રિસ્ટોરેશન પ્રોગ્રામ ચલાવવામાં આવ્યા છે. બાકીના તળાવો માટે કોઈ સંરક્ષણ યોજના નથી અને કોઈ ભંડોળ પણ ફાળવાયું નથી.
31 વર્ષમાં 697 તળાવમાંથી એકનો પણ જૈવિક કે રાસાયણિક સરવે થયો નથી.