• મંગળવાર, 14 એપ્રિલ, 2026

નોઈડામાં શ્રમિકોના પ્રદર્શનમાં તોફાન

પોલીસ જીપ સહિત પાંચ વાહનો આગના હવાલે, ફેક્ટરીઓ ઉપર કર્યો પથ્થરમારો

દિલ્હી પોલીસ હાઈ એલર્ટ ઉપર

નોઈડા, તા. 13 : નોઈડામાં વેતન વધારાની માગને લઈને હજારો શ્રમિકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને જોતજોતામાં પ્રદર્શને ઉગ્ર સ્વરૂપ લીધું હતું. નોઈડાના અલગ અલગ ઔદ્યોગિક વિસ્તારમાં ફેક્ટ્રી શ્રમિકોનો ગુસ્સો સડક ઉપર ઉતરી આવ્યો હતો. આ દરમિયાન  પોલીસના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપવામાં આવી હતી. ઈમારતો અને પોલીસ કર્મચારીઓ ઉપર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સડકો ઉપર પ્રદર્શન કરી રહેલા શ્રમિકો પગાર વધારાની માગણી કરી રહ્યા હતા. તેઓનું કહેવું હતું કે મોંઘવારીના સમયમાં ઓછા પગારે જીવન પસાર કરવું મુશ્કેલ બની રહ્યું છે.

નોઈડા ફેઝ-2 સ્થિત હોઝરી કોમ્પ્લેક્સમાં વેતન વધારાની માગણી સાથે શ્રમિકોએ પ્રદર્શન શરૂ કર્યું હતું. બાદમાં વિરોધ પ્રદર્શન પૂરા નોઈડામાં ફેલાયું હતું. ફેઝ-2 અને ઈકોટેક-3 બાદ નોઈડાના સેક્ટર-62 અને નોઈડા સેક્ટર-15મા શ્રમિકો સડક ઉપર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ઘણી ફેક્ટરીમાં ઘૂસીને શ્રમિકો દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી હતી અને ઈમારતો ઉપર પથ્થરમારો થયો હતો. સ્થિતિ નિયંત્રણમાં લેવા પહોંચેલી પોલીસ પણ નિશાને આવી હતી. પ્રદર્શનકારીઓએ પાંચેક પોલીસ વાહનોમાં તોડફોડ કરી હતી અને આગ ચાંપી દીધી હતી.

વધુમાં ઘણા સ્થળે રસ્તા જામ કરવામાં આવતા સામાન્ય લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સીએમ યોગી આદિત્યનાથે  ઔદ્યોગિક ક્ષેત્રોમાં શ્રમિકો માટે સન્માનજનક વેતન, સુરક્ષીય કાર્ય વાતાવરણ, અને સમયે સમસ્યાનો ઉકેલ લાવવા સહિતના નિર્દેશો આપ્યા હતા.

નોઈડામાં થયેલા આંદોલન પાછળ રિચા ગ્લોબલને માનવામાં આવે છે. જેની એક યુનિટ હરિયાણાના ફરીદાબાદમાં સ્થિત છે. આ યુનિટમાં વેતન વૃદ્ધિની માગ સાથે શ્રમિકો ઘણા દિવસથી પ્રદર્શન કરી રહ્યા હતા. બાદમાં હરિયાણા સરકારના વેચન વધારાના નિર્ણય પછી કંપનીએ 35 ટકા સુધી વધારાને મંજૂરી આપી હતી. આ નિર્ણય બાદ નોઈડામાં સ્થિત રિચા ગ્લોબલની ચાર અન્ય ફેક્ટરીમાં કાર્યરત શ્રમિકોએ પણ હરિયાણાના કર્મચારીઓ જેટલા પગારની માગ શરૂ કરી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક