બોટાદ, તા.23 : બોટાદની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ફોજદારી તપાસમાં મહત્ત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી દ્વારા પોલીસ દ્વારા મારપીટ અને હેરાનગતિ કરવામાં આવેલી છે તેવી ફરિયાદ, સાક્ષીઓનાં નિવેદનો તેમજ મેડિકલ પુરાવાના આધારે કોર્ટે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાનો આદેશ આપ્યો છે.
કેસની વિગતો મુજબ ફરિયાદી શિવરાજભાઈ
ધાધલને તા. 10 ઓગસ્ટ, 2022ના રોજ બોટાદ પોલીસ
સ્ટેશનના એક ગુનામાં આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે કોર્ટ દ્વારા પૂછપરછ
દરમિયાન ફરિયાદીએ જણાવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ જયપાલાસિંહ અનિરુદ્ધાસિંહ ચુડાસમા,
કૌશિક પ્રવીણભાઈ જાની અને રાહિલ સીદાતર રાત્રિના સમયે તેમનાં ઘરે આવ્યા હતા અને તેમની
સાથે મારપીટ કરી જબરદસ્તી ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ફરિયાદીના જણાવ્યા
મુજબ પોલીસ સ્ટેશનમાં પણ તેમની સાથે મારપીટ કરી ગાળો બોલવામાં આવી હતી. કોર્ટ દ્વારા
ચેમ્બરમાં પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદીનાં શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા હતા. ત્યારબાદ
મેડિકલ તપાસ કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. સારવાર આપનાર ડોક્ટર ડૉ. મૌલિક પુરુષોત્તમભાઈ
વિરાણીએ આપેલા મેડિકલ સર્ટિફિકેટમાં ફરિયાદીનાં શરીર પર ચકામા અને ઈજાઓ નોંધાયેલી હોવાનું
દર્શાવાયું હતું. આ ઉપરાંત ફરિયાદીની દીકરી મહેશ્વરીબેન સહિતના સાક્ષીઓનાં નિવેદનો
પણ નોંધવામાં આવ્યા હતા, જેમાં ફરિયાદીની રજૂઆતને સમર્થન મળ્યું હતું જેમાં કોર્ટએ
તમામ પુરાવા અને નિવેદનો ધ્યાનમાં લઈ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો હોવાનું માન્યું. તેના
આધારે એડિશનલ ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ એન. એચ. શેખ દ્વારા ગુનો નોંધવા હુકમ કર્યો
હતો.