• મંગળવાર, 03 માર્ચ, 2026

‘બોટાદમાં પોલીસ દારૂ પીધેલાઓને પકડે છે પણ વેચનારાઓ પર કોઈ કડક પગલા લેવાતા નથી’

સાળંગપુર રોડ પર દારૂના ખુલ્લેઆમ વેચાણ સામે મહિલાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી

બોટાદ, તા. 6 : શહેરના સાળંગપુર રોડ સ્થિત સવગણનગર વિસ્તારમાં દારૂ પીધેલા વ્યક્તિઓને પકડવા ગયેલી પોલીસ અને સ્થાનિક રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. પોલીસ રેડ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતાં અને પોલીસની કાર્યવાહી પર ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યાં હતાં.

સ્થાનિક મહિલાઓએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, બોટાદમાં દારૂનો વેપાર બેફામ ચાલી રહ્યો છે, પરંતુ પોલીસ દારૂ પીધેલા લોકોને જ પકડીને કાર્યવાહી કરે છે, જ્યારે દારૂ વેચનારા મોટા ધંધાર્થીઓ પર કોઈ કડક પગલા લેવાતા નથી. મહિલાઓ મોટા જથ્થામાં એકત્રિત થઈ દારૂનું વેચાણ તાત્કાલિક બંધ કરાવવા મક્કમ રજૂઆત કરી હતી. સવગણનગરનાં લોકોનો આક્ષેપ છે કે, વિસ્તારના ચોક્કસ વ્યક્તિઓ લાંબા સમયથી દારૂનું વેચાણ કરે છે, છતાં પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરતી. લોકોનું કહેવું છે કે, પોલીસે જો સાચી દિશામાં કામ કરે તો આખો વિસ્તાર દારૂમુક્ત થઈ શકે, પરંતુ પોલીસની મીઠી નજર હેઠળ દારૂની હેરાફેરી ચાલુ છે. ઘટના બાદ સવગણનગરમાં તણાવનો માહોલ સર્જાયો છે અને રહેવાસીઓએ દારૂના વેપાર સામે કડક પગલા લેવાની માગ ઉગ્ર બની છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક