• મંગળવાર, 03 માર્ચ, 2026

અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવાની કલમનો ઉમેરો કરાશે

ગોંડલ તા.6: રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસની સુનવણી ગોંડલ સેશન્સ કોર્ટમા શરુ થઇ છે ત્યારે અમિત ખૂંટ આપઘાત કેસમા અનિરૂધ્ધાસિંહ જાડેજા સહિતનાં આરોપીઓ સામે ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવા માટે સ્પેશ્યલ નિમણૂક કરાયેલા સ્પે. પી. પી. ચેતન શાહ અને આસિસ્ટન્ટ સ્પે. પી. પી. હીરેન પટેલ દ્વારા અરજી કરવામાં આવી છે.

આ અરજીને લઇને ગોંડલ સેશન્સ કોર્ટ દ્વારા આ કેસનાં તપાસનીશ અધીકારીને ખુલાસો કરવા હુકમ કર્યો છે આ મામલે જો કોર્ટ દ્વારા ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવામા આવશે તો આ કલમ હેઠળ આજીવન કેદની કે 7 વર્ષની સજાની જોગવાઇ હેઠળ અનિરૂધ્ધાસિંહ અને રાજદીપાસિંહ સહિત તમામ સામે કેસ ચલાવવામાં આવશે.

સ્પે. પી. પી. ચેતન શાહ અને આસી. સ્પે. પી. પી. હીરેન પટેલ દ્વારા ગોંડલ સેશન્સ કોર્ટમા કરાયેલી અરજીમા જણાવ્યું છે કે રીબડાનાં અમિત ખૂંટને હની ટ્રેપમા ફસાવી તેના વિરુધ્ધ ખોટા પુરાવા ઉભા કરી પોકસો હેઠળ ગુનો દાખલ કરવામા આવ્યો હતો. જેનાં કારણે ડરી ગયેલા અમિત ખૂંટે આપઘાત કરી લીધો હતો.

જ્યારે ફરિયાદ પક્ષે સરકારી વકીલે અરજી કરી જેમાં અમિત ખુંટને ફસાવવા પુર્વ આયોજીત કાવતરું ઘડી ખોટા પુરાવા રજુ કરવામા આવ્યા હોવાથી  આ કેસમા ભારતીય ન્યાય સંહિતા ર0ર3ની કલમ મુજબની કલમનો ઉમેરો કરવામાં આવ્યો નથી.

ગોંડલ સેશન્સ કોર્ટમા આ કેસની ટ્રાયલ શરૂ થઇ છે  ત્યારે અનિરૂધ્ધાસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપાસિંહ જાડેજા સહિતનાં કેસમા સંડોવાયેલા બે વકીલ સહિતનાં તમામ આરોપીઓ સામે બીએનએસની કલમ મુજબ ખોટા પુરાવા ઉભા કરવા અંગેની કલમનો ઉમેરો કરવાની અરજી કરી છે. જેમાં આ કેસમાં સંડોવાયેલા સંજય પંડિત અને દિનેશ પાતર કે જેઓ કાયદાના જાણકાર હોવા છતાં અમિત ખુંટ સામે પોક્સોની ફરિયાદ નોંધવા માટે ખોટા પુરાવાઓ ઉભા કર્યા હોવાથી તે કાયદાના જાણકાર એવા એડવોકેટ તે પૂર્વ આયોજીત કાવતરું રચ્યું હોવાનું દલીલો પણ અરજી સાથે સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી.

આ અરજી ગોંડલ સેસન્શ કોર્ટમાં દાખલ કરાયા બાદ હવે આ કેસમા જેલમાં રહેલા બંને પિતા- પુત્રની  મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. આ કેસમાં હાલ જેલમાં રહેલા જામીન અંગેની અરજી કે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે જો કોર્ટ દ્વારા બીએનએસની કલમનો બંનેનો ઉમેરો કરાશે તો આ કેસમા નવો વળાંક આવી શકે છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક