• રવિવાર, 06 જુલાઈ, 2025

હળવદના ચરાડવા ગામે પિતાએ દોરીથી ગળાટૂંપો દઈ પુત્રની હત્યા નીપજાવતા ચકચાર

-કામ-ધંધો કરવા ઠપકો આપતા ઝઘડો થયો હતો : ધરપકડ

હળવદ, તા.3: હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો યુવાન કામધંધો કરતા ના હોય જે બાબતે પિતાને પુત્ર સાથે ઝઘડો થતા ગળાટૂંપો દઈને પુત્રની હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મૃતકના કૌટુંબિક ભાઈએ કાકા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના ભડિયાદ રોડ પર રહેતા મુળ ચરાડવાના વતની દિનેશભાઈ મગનભાઈ સોલંકીએ કાકા દેવજીભાઈ કરશનભાઈ સોલંકી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે, ચરાડવા ગામે રહેતા કુટુંબી ભાઈજીના દીકરા દિનેશભાઈનો ફોન આવ્યો હતો. જેમાં દેવજીકાકાએ વાત કરી હતી કે મનોજ ખાટલામાં સુતો છે અને કાંઈ બોલતો નથી જેથી ફરિયાદી દિનેશ તેના માતા અને પિતાને લઈને ચરાડવા ગયો હતો. જ્યાં પાડોશી પાસેથી જાણવા મળ્યું કે, મનોજને પિતા દેવજીભાઈ સાથે બોલાચાલી થયા બાદ મનોજને બેભાન હાલતમાં ચરાડવા સરકારી હોસ્પિટલે લઈ જતા ત્યાં સરકારી ડોક્ટરે જોઈ તપાસીને મૃત્યુ થયાનું જાહેર કર્યું છે. તેને ગળાના ભાગે દોરીથી ટુંપો લાગેલ હોવાના નિશાન જોવા મળ્યા છે.  જે અંગે ચરાડવાના

નીતિનભાઈ સોલંકી અને બીપીનભાઈ સોલંકીએ વાત કરી હતી કે મનોજ અને તેના પિતા દેવજીભાઈને ઘરમાં ઝઘડો થયો હતો બાદમાં દેવજીભાઈ ઘરમાંથી બહાર જતા રહ્યા હતા. મનોજ કાઈ કામધંધો કરતો ના હતો અને રખડતો હતો જેથી દેવજી કાકાએ અવારનવાર મનોજને કામ કરવા ઠપકો આપતા પિતા સાથે ઝઘડો કરતો હતો. જેથી પિતાએ મનોજને દોરીથી ગળેટુંપો દઈ મૃત્યુ નીપજાવ્યું હતું. હળવદ પોલીસે આરોપી પિતા વિરૂદ્ધ હત્યાની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક