• શનિવાર, 27 જુલાઈ, 2024

ભાદરના પુલ પરથી કાર નદીમાં ખાબકતા દંપતી-પુત્રી અને સાળીનાં મૃત્યુ

માંડાસણ ગામે સોમયજ્ઞમાંથી પરત આવતા’તા ત્યારે ટાયર ફાટયું; પુત્રીની તાજેતરમાં જ સગાઈ થઈ’તી

ધોરાજી, તા.10 : પોરબંદર-રાજકોટ હાઇ-વે પરના ભાદરના પુલ પરથી પસાર થતા ધોરાજીના પરિવારની કારનું ટાયર ફાટતા કાર નદીમાં ખાબકતા દંપતી-પુત્રી અને સાળીના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવના પગલે પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, ધોરાજીના ખરાવડ પ્લોટ વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ દામજીભાઈ ઠુમ્મર તથા તેની પત્ની લીલાવંતીબેન, પુત્રી હાર્દિકાબેન અને દિનેશભાઈની સાળી સંગીતાબેન પ્રવીણભાઈ કોયાણી સહિતનો પરિવાર માંડાસણ ગામે સોમયજ્ઞમાં દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી પરત કારમાં બેસી ધોરાજી આવવા નીકળ્યા હતા.

દરમિયાન ધોરાજી પાસેના ભાદરના પુલ પરથી પસાર થતા હતા ત્યારે દિનેશભાઈની કારનું અચાનક ટાયર ફાટતા કાર ચલાવતા દિનેશભાઈએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ભાદર નદીમાં ખાબકી હતી અને દિનેશભાઈ સહિતના ચારેય નદીમાં ગરક થઈ ગયા હતા અને ડૂબી જવાથી ચારેયના મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતા પોલીસ સ્ટાફ તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને અન્ય સેવાભાવી લોકો દોડી ગયા હતા અને ચારેયના મૃતદેહો બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

આ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં મૃતક દિનેશભાઈ ઠુમ્મર કુંભારવાડા ચેરીટેબલ ટ્રસ્ટમાં સેવા આપતા હતા. મૃતક દિનેશભાઈની પુત્રી હાર્દિકાબેનની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. આ બનાવના પગલે પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એક જ પરિવારમાંથી ત્રણ વ્યક્તિઓની અર્થી ઉઠતા ધોરાજીમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક