‘ફૂલછાબ’ દૈનિકમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ તંત્ર સફાળું જાગ્યું : સેન્ટર પોઇન્ટથી લઈ નૂતન હાઇસ્કૂલ સુધીનો માર્ગ ખુલ્લો કર્યો
અમરેલી, તા.15 : અમરેલી શહેરના
ચિતલ રોડ ઉપર ઘણા જ લાંબા સમયથી સિમેન્ટ રોડ બનાવવાની ગોકળગતિએ કામગીરી ચાલી રહી છે.
જેનાં પરિણામે આ ચિતલ માર્ગ ઉપર આવેલી લગભગ 50 જેટલી સોસાયટીમાં વસતા લોકોને ભારે મુશ્કેલીનો
સામનો કરવો પડતો હતો. આ અંગે ફૂલછાબ દૈનિક અખબારમાં અહેવાલ પ્રસિધ્ધ થતાં જ માર્ગ અને
મકાન વિભાગ સફાળું જાગી અને આજે આ સેન્ટર પોઇન્ટથી લઈ નૂતન હાઇસ્કૂલ સુધીનો માર્ગ ખુલ્લો
કર્યો છે. આ ઉપરાંત આ માર્ગ ઉપરથી દરરોજ રાજકોટ,
જામનગર, મોરબી, કચ્છ જેવા શહેરોમાં જવાં માટેના હજારો વાહનો પણ પસાર થતાં હોય જેને
લઈ સતત ટ્રાફિકજામ સર્જાય છે. આ માર્ગ ઉપર અનેક શાળા કોલેજો પણ છે ત્યારે રોજબરોજ આ
માર્ગ ઉપર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે. આ સેન્ટર પોઇન્ટથી લઈ ગુરુદત્ત મંદિર સુધીનો
તૈયાર થઈ ગયેલા રોડને તાત્કાલિક ધારણે ખોલી નાખી અને આ માર્ગ શરૂ કરવામાં આવે તેવી
માગ ઉભી થવા પામી હતી. શહેરથી ચિતલ તરફ જતાં ડાબી બાજુના રોડનું કામ શરૂ થયાને ખાસો
સમય વીતી ગયો છે ત્યારે સર્કિટ હાઉસથી લઈ એસ.પી. કચેરીનો માર્ગ વચ્ચેથી ખોલી નાખવામાં
આવ્યો છે. તો સેન્ટર પોઇન્ટથી લઈ ગુરુદત્ત મંદિર સુધીના રોડનું કામે પૂરું થયાને
20 દિવસથી પણ વધુ સમય થઈ જવાં છતાં આ માર્ગને કેમ ખુલ્લો કરવામાં આવતો નથી. તે અંગે
ફૂલછાબ દૈનિક અખબારમાં અહેવાલ પ્રસિદ્ધ થતાં જ માર્ગ અને મકાન વિભાગ સફાળું જાગી અને
આજે આ સેન્ટર પોઇન્ટથી લઈ નૂતન હાઇસ્કૂલ સુધીનો માર્ગ ખુલ્લો કર્યો છે. આ માર્ગનું
યુદ્ધનાં ધોરણે કામગીરી પૂરી કરવાં અને હાલમાં નૂતન હાઇસ્કૂલથી લઈ ગુરુદત્ત મંદિર સુધીના
રોડનું કામ પૂરું થયું છે. તે પણ માર્ગ ખુલ્લો કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગ
કરવામાં આવી છે.