• શનિવાર, 13 એપ્રિલ, 2024

ગોંડલમાં ફરી મરચાંની તીવ્ર આવક : 1600 વાહનો આવ્યાં

યાર્ડમાં પુરવઠો ખતમ થતા નવી આવકને પ્રવેશ અપાતા ખેડૂતો ઉમટી પડયાં

 

રાજકોટ/ગોંડલ, તા.26: (ફૂલછાબ ન્યૂઝ) રાજકોટ જિલ્લાના ગોંડલ વિસ્તારમાં પાકતા મરચાં ગોંડલિયા મરચાં તરીકે જગપ્રસિધ્ધ છે. અગાઉ રેશમપટ્ટો અને ઘોલર જેવી જાતો જ આવતી હતી પણ હવે હાઇબ્રિડ બિયારણના મરચાંના વાવેતર પણ ખૂબ વધ્યા છે અને તેનાથી હેક્ટર દીઠ ઉત્પાદન પણ વધતા ગોંડલ યાર્ડ મરચાંની આવકથી વારંવાર છલકાઇ ઉઠે છે. ગોંડલ યાર્ડમાં આગલી પુરાંત વેચાઇ જતા નવી આવકની શરૂઆત કરાતા સોમવારે 65 હજાર ભારી જેટલો ચિક્કાર પુરવઠો આવી ગયો હતો.

ગોંડલમાં સોમવારે આવક કરાઇ હતી એ પૂર્વે માર્કેટયાર્ડના બન્ને તરફના હાઇ વે ઉપર પાંચથી છ કિલોમીટર લાંબી લાઇન થઇ ગઇ હતી. 1600 કરતા વધારે વાહનો મરચાં વેંચવા માટે લાઇનમાં ઉભા રહ્યા હતા. બધાને ટોકન પ્રમાણે અંદર આવવા દેવામાં આવ્યા હતા.

કુલ મળીને 65 હજાર ભારી મરચાંની આવક થવા પામી હતી અને મરચાંના ભાવ એક મણે રૂ. 1000-4000 સુધી રહ્યા હતા. ગોંડલ આસપાસના વિસ્તાર ઉપરાંત મરચાં પકવતા દૂર દૂરના વિસ્તારમાંથી પણ ગોંડલમાં મરચાં વેચાણ માટે ખેડૂતો લાવે છે. ગોંડલમાં સારો ભાવ મળતો હોવાનું કારણ ખેડૂતો આપે છે.

ઇ-પેપરના નવા શુલ્ક