• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ગુજરાતની નદીઓના પાણી, ભૂગર્ભ જળમાં ફોરેવર કેમિકલ્સથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમ

એનજીટીની સખ્તાઈ બાદ ગુજરાતના જળસ્ત્રોતોમાં ફોરેવર કેમિકલ્સ પર ચર્ચા તેજ

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 23: ગુજરાતના જળસ્ત્રોતો અને ભૂગર્ભજળમાં પીએફએએસ એટલે કે ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ વધી રહ્યાના અહેવાલ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા દાખવાયેલી કડકાઈએ તંત્રની ચિંતા વધારી છે. હેઝાર્ડસ મટીરિયલ્સ એડવાન્સીસ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં આ બાબત સામે આવ્યા બાદ પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર ઊભા થયેલા સંભવિત જોખમ અંગે ગંભીર વિચારણા શરૂ થઈ છે. રાજ્યના કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર સહિતના ઉદ્યોગોનો પ્રવાહી કચરો પાણીમાં ફોરેવર કેમિકલ્સ ભળવા પાછળનું મુખ્ય કારણ ગણાય છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા ટેક્સટાઇલ કેન્દ્રોમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કાટિંગ્સ, કેમિકલ વિસ્તારોના ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ તથા મેટલ પ્લાટિંગની પ્રક્રિયામાંથી આ તત્વો જળસ્ત્રોતોમાં પહોંચી રહ્યા છે. આ ઉપરાંત ફાસ્ટ ફૂડ પેકાજિંગ રેપર્સ, નોન-સ્ટીક વાસણો પરના ટેફલોન કાટિંગ, કોસ્મેટિક સામગ્રી અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા વપરાતા ખાસ ફીણમાં પણ આ સંયોજનોનો ઉપયોગ થાય છે.

આ રસાયણોના અત્યંત મજબૂત કાર્બન-ફ્લોરિન બોન્ડને લીધે તેઓ સરળતાથી તૂટતા નથી અને પર્યાવરણ તેમજ શરીરમાં લાંબા સમય સુધી જળવાઈ રહે છે, જેના કારણે તેમને ફોરેવર કેમિકલ્સ કહેવાય છે. પ્રચલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ પાણીમાંથી આ રસાયણોને સંપૂર્ણપણે દૂર કરવામાં અસરકારક સાબિત થતા નથી, જેથી તે માટી, હવા, નદીઓ અને ભૂગર્ભજળમાં ભળી જાય છે.

બીજી તરફ, સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી મુખ્ય નદીઓ તેમજ શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું સ્તર કેટલું છે, તેની કોઈ સત્તાવાર નોંધ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે. ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ સ્વીકાર્ય મર્યાદા નક્કી કરતાં કાયદેસરના ધોરણો ન હોવાથી નિયંત્રણની કામગીરી વધુ પડકારજનક બની છે.

ઇ-પેપરના નવા શુલ્ક