• મંગળવાર, 24 નવેમ્બર, 2026

ગુજરાતમાં ફાયર સેફ્ટીના નિયમોમાં મોટા ફેરફાર

10 કેટેગરીમાં ઇમારતોનું વર્ગીકરણ, 258 ચેકલિસ્ટ તૈયાર

ઉદ્યોગોને આગના જોખમ મુજબ ત્રણ વિભાગમાં વહેંચાયા : નાગરિકોની સુરક્ષા પર ભાર

ગાંધીનગર, તા. 23: ગુજરાતમાં ફાયર સેફ્ટી સંબંધિત નિયમોમાં વર્ષ 2026 દરમિયાન મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. નવા સુધારાઓમાં ઇમારતોના ઉપયોગ અને આગના જોખમને આધારે ફાયર સેફ્ટીની જોગવાઈઓ નક્કી કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત રહેણાંકથી લઈને ઔદ્યોગિક અને જોખમી પદાર્થોના સંગ્રહ સાથે સંકળાયેલી ઇમારતોને કુલ 10 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવી છે. સાથે જ ફાયર સેફ્ટી મંજૂરી અને પ્રમાણપત્રની પ્રક્રિયા માટે 258 અલગ-અલગ ચેકલિસ્ટ તૈયાર કરવામાં આવી છે.

નવા માળખામાં ઔદ્યોગિક ઇમારતોને અલગ કેટેગરી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આગના જોખમના આધારે ઔદ્યોગિક એકમોને G-I (ઓછું જોખમ), G-II (મધ્યમ જોખમ) અને G-III (વધુ જોખમ) એમ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી દરેક ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા અને જોખમને અનુરૂપ ફાયર સેફ્ટીનાં સાધનો તથા સુરક્ષા વ્યવસ્થા નક્કી કરી શકાશે. ઔદ્યોગિક કેટેગરી માટેની નવી પ્રમાણપત્ર જોગવાઈઓ 1 એપ્રિલ, 2027થી અમલમાં આવશે.

ઇમારતોના વર્ગીકરણમાં રહેણાક, શૈક્ષણિક, સંસ્થાકીય, જાહેર મેળાવડાનાં સ્થળો, વ્યવસાયિક, વેપારી, ઔદ્યોગિક, સંગ્રહ, જોખમી પદાર્થો સંબંધિત અને મિશ્ર ઉપયોગ ધરાવતી ઇમારતોનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં ફ્લેટ, એપાર્ટમેન્ટ, શાળા-કોલેજ, હોસ્પિટલ, નર્સિંગ હોમ, સિનેમા, મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, શાપિંગ મોલ, સરકારી કચેરીઓ, દુકાનો, શોરૂમ, કારખાનાં, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ અને જોખમી રસાયણોનું ઉત્પાદન કે સંગ્રહ કરતી ઇમારતોને આવરી લેવામાં આવી છે.

ફાયર સેફ્ટીની મંજૂરી અને પ્રમાણપત્રની પ્રક્રિયાને વધુ સરળ અને વ્યવસ્થિત બનાવવા કુલ 258 ચેકલિસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ફાયર સેફ્ટી પ્લાનની મંજૂરી માટે 71, ફાયર સેફ્ટી સર્ટિફિકેટની મંજૂરી માટે 71, પ્રમાણપત્રના નવીનીકરણ માટે 71 અને અગાઉથી મેળવેલા પ્રમાણપત્રના નવીનીકરણ માટે 45 ચેકલિસ્ટનો સમાવેશ થાય છે. આના આધારે ઇમારતના ઉપયોગ અને કેટેગરી મુજબ જરૂરી ફાયર સેફ્ટી સાધનો તથા વ્યવસ્થાની ચકાસણી કરી શકાશે.

ઇ-પેપરના નવા શુલ્ક