ભાવનગરના ખાંભલિયા ખાતે આયોજિત
કોળી સમાજના સ્નેહમિલન સમારોહમાં ધારાસભ્યનું સ્ફોટક નિવેદન, કહ્યું ‘માત્ર ભાષણો કરવાથી
કંઇ નથી થતું, કામ કરીને દેખાડો’
ભાવનગર/રાજકોટ તા.23 : ગુજરાતના
ઈતિહાસમાં ચૂંટણી પૂર્વે યોજાતા સામાજિક સંમેલનો હંમેશાના સત્તાના સમીકરણો બદલવામાં
નિર્ણાયક પૂરવાર થયાં છે ત્યારે વધુ એક સંમેલનમાં વધુ એક કદાવર નેતાએ કરેલા સ્ફોટક
નિવેદને આગામી વિધાનસભા ચૂંટણી 2027 પૂર્વે
રાજ્યમાં જ્ઞાતિગત રાજકારણને ફરી સક્રિય કર્યુ
છે.
તાજેતરમાં દ્વારકામાં ભાજપ ધારાસભ્ય
પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ ઉઠાવી હતી તો બીજીતરફ કેબીનેટ
મંત્રી કુંવરજી બાવળીયાની નિવૃતિ અંગે ચાલી રહેલા વિવાદમાં એક સમયના તેમના વિરોધી પૂર્વ
સાંસદ દેવજી ફતેપરા આવ્યાં હતાં. આ તરફ જસદણમાં પાટીદાર શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં
પાટીદાર અનામત આંદોલનના અગ્રણી દિનેશ બાંભણિયાએ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના
રાજીનામા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને આ આંદોલનને નિમિત્ત બનાવીને આનંદીબેન પટેલને
મુખ્યમંત્રી પદે દૂર કરાયાનું સ્ફોટક નિવેદન આપ્યું હતું ત્યારે હવે ભાવનગર ગ્રામ્ય
વિસ્તારના ધારાસભ્ય અને કોળી સમાજના કદાવર નેતા પરસોત્તમ સોલંકીનું એક સ્ફોટક નિવેદન
સામે આવ્યું છે.
ભાવનગર-ખોડિયાર સાંકા નજીકના
ખાંભલિયા ખાતે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં ઉદ્યોગ જગતના મહાનુભાવો સહિત જિલ્લાભરમાંથી
મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો, યુવાનો અને રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉમટી પડ્યા
હતા. આ કાર્યક્રમમાં મંત્રી પરસોત્તમ સોલંકીએ પોતાના આગવા અંદાજમાં વિવિધ મુદ્દાઓ પર
સ્પષ્ટતા કરી હતી.
સોલંકીએ જણાવ્યું હતું કે, ‘મેં
જનતાને ઘણું આપ્યું છે, આ તલવારો મેં એમ જ નથી રાખી, જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરું
છું, જેને સમજવું હોય તે સમજી લે.’ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘પરસોત્તમ સોલંકીએ
કાળા કપડાં તમારા માટે પહેર્યા છે, જોકે જાહેર જીવનમાં અમુક મર્યાદાઓનું પાલન કરવું
પડતું હોય છે.’ માત્ર ભાષણો કરવાથી કોઈનું ભલું થવાનું નથી, ‘મુંબઈમાં મારી સામે
32 કેસ હતા, છતાં બાંધવામાં મને છેડે ટેકો પડ્યો. કારણકે હું ક્યાંય પકડાયો જ નહીં!
ઘણા લોકોએ મને તલવાર ભેટમાં આપી છે, પરંતુ મેં કહી દીધું છે કે આ તલવારો મેં એમનેમ
નથી રાખી, જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ પણ કરું છું.‘