અમદાવાદમાં
ડ્રગ્સના 951 આરોપીને એક છત્ર હેઠળ લાવીને પોલીસે છેલ્લી ચેતવણી આપી ઃ પીઆઈ સામે પણ
થશે કાર્યવાહી
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.18 ઃ અમદાવાદ પોલીસ દ્વારા ડ્રગ્સના ધંધાર્થીઓ
સામે મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન એનડીપીએસ સંબંધિત
ગુનાઓમાં સંડોવાયેલા 951 લોકોને પોલીસે છેલ્લા બે દિવસમાં રાઉન્ડઅપ કરીને શાહીબાગ પોલીસ
હેડક્વાર્ટર ખાતે એક છત્ર હેઠળ એકત્ર કર્યા છે. આ કામગીરીમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ,
ક્રાઇમ બ્રાન્ચ, શહેરના તમામ આઠ ઝોન અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો જોડાઈ હતી.
પોલીસ
દ્વારા પાંચ વર્ષમાં ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપીઓ અને પૂછપરછમાં જણાયેલા સંદિગ્ધોના
ડોઝિયર તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોઝિયરમાં આરોપીઓના સંપર્ક નંબર, પરિવારજનોની માહિતી,
રહેઠાણનાં સરનામા તેમજ તેમની અને પરિવારની પૃષ્ઠભૂમિ સહિતની વિગતો એકત્ર કરવામાં આવી
છે. આ ડેટાને આધારે પોલીસ હવે (જુઓ પાનું 10)
ડ્રગ્સના
નેટવર્ક સાથે સંકળાયેલા લોકો પર સતત નજર રાખશે.
શાહીબાગ
પોલીસ હેડક્વાર્ટર ખાતે શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના 500 અને ક્રાઇમ બ્રાન્ચ,
એસઓજી તેમજ એએનટીએફના ચોપડે નોંધાયેલા 450 જેટલા આરોપીઓ મળી કુલ 951 લોકોનો સમાવેશ
થાય છે. ડ્રગ્સના કાળા કારોબાર કરતા લોકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે સુધરી
જાવ નહીં તો ભારે પડશે. પોલીસ દ્વારા આગામી સમયમાં ડ્રગ્સનો ધંધો ચાલુ રાખનારાં તત્ત્વો
સામે કડક પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ડ્રગ્સના નાણાંથી ખરીદવામાં આવેલી
મિલકત પર બુલડોઝર ફેરવી દેવાશે.
પોલીસે
અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ થતું હોય તેવા 12થી 13 હોટસ્પોટની ઓળખ કરી છે. આ સ્થળોએ
તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે. ડ્રગ્સનું વેચાણ કરનારા લોકો ઉપરાંત તેનો સપ્લાય
ક્યાંથી થાય છે અને શહેર સુધી કેવી રીતે પહોંચે છે તે જાણવા સપ્લાય ચેઇનને પણ તપાસના
દાયરામાં લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી ડ્રગ્સના
સપ્લાયની કડીઓ મળી છે.
આ ઉપરાંત સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ કોઈ કચાસ નહીં
રાખવા ચેતવણી આપવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે, ડ્રગ્સના
વેચાણ સામે કાર્યવાહી કરવામાં સ્થાનિક પોલીસકર્મીઓની બેદરકારી કે સંડોવણી સામે આવશે
તો પીઆઈ સહિતના અધિકારીઓ સામે પણ કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ટેલિગ્રામ
ચેનલથી ડ્રગ્સનો વેપલો
ડ્રગ્સના
નેટવર્ક સામેની કાર્યવાહીની સાથે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન ડ્રગ્સ વેચાણના
નેટવર્કની પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ટેલિગ્રામ પર એક ગ્રુપની ઓળખ કરવામાં આવી
છે, જેના મારફતે ગુજરાત બહાર ડ્રગ્સનું વેચાણ થતું હોવાની આશંકા છે. આ ડ્રગ્સનાં નાણાં
ચૂકવવા યુપીઆઇ પેમેન્ટનો ઉપયોગ થતો હોવાનું ખૂલતા ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે ડ્રગ્સ
હેરાફેરી સાથે સંકળાયેલી હોવાની આશંકાવાળી ડાર્ક વેબની 10થી વધુ વેબસાઇટ્સ પણ તપાસના
દાયરામાં લેવામાં આવી છે.
મંડપમાં
ડ્રગ્સના આરોપીઓ ગયા હસતાં હસતાં, આવ્યા ત્યારે ચાલવાના ફાંફાં
શાહીબાગ
પોલીસ હેડક્વાર્ટર મેદાનમાં બોલાવવામાં આવેલા 950થી વધુ પેડલરોને હરોળબદ્ધ બેસાડવામાં
આવ્યા હતા. આ કાર્યવાહીમાં બાદમાં ડ્રગ્સ કેસમાં પકડાયેલા રીઢા ગુનેગારોને અલગ તારવવામાં
આવ્યા. આ રીઢા આરોપીઓને મેદાનમાં જ બનાવવામાં આવેલા એક સફેદ કાપડના બંધ મંડપની અંદર
લઈ જવામાં આવ્યા હતા. આ ગુનેગારો જ્યારે બંધ મંડપમાં પ્રવેશ્યા ત્યારે તેમના ચહેરા
પર કોઈ ડર નહોતો અને તેઓ હસતા મોઢે અંદર ગયા હતા પરંતુ થોડી જ વારમાં તેઓ મંડપમાંથી
લંગડતા પગે બહાર આવ્યા હોવાનાં દૃશ્યો જોવા મળ્યા હતા. પોલીસની ‘સેવા’ને પગલે આરોપીઓને
ચાલવાના પણ ફાંફાં પડી ગયા હતા.