રાજકોટ, તા.17(ફૂલછાબ ન્યૂઝ): નબળા વર્ષને લીધે વરસાદની ભારેખમ ખાધ ગુજરાતના અનેક વિસ્તારોમાં રહી ગઇ છે. ખાધને લીધે શિયાળુ પાકના વાવેતર કપાઇ જશે તેવી દહેશત હવે સાચી ઠરતી હોય તેવા સંકેત મળ્યા છે. ગુજરાતના કૃષિ વિભાગે જાહેર કરેલા વાવેતરના આંકડામાં વિસ્તાર 61 ટકા ઘટયો છે. પાણીની તંગી તો છે જ પણ વાતાવરણમાં ઠંડક ઓછી હોવાને લીધે વાવેતર વેગથી શરું થયા નથી. ઠંડીનું પ્રમાણ વધશે તો વાવેતર જોશભેર થશે.
ખેડૂતો
માટે શિયાળુ પાકના વાવેતર સમયે યક્ષ પ્રશ્ન પાણીનો રહેવાનો છે કારણકે અનેક તાલુકાઓ
પાણી વિહોણા છે. પાણી થોડુંઘણું પણ છે તે વિસ્તારોમાં ખેડૂતોને વાતાવરણની ચિંતા છે.
વાતાવરણ આખું વર્ષ દગો દઇ ગયું છે ત્યારે ગરમી વધારે પડે તો ઉત્પાદન પ્રભાવિત થવાનો
ખેડૂતને ભય છે.
જોકે
અનિશ્ચિતતાઓ વચ્ચે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટરમાં શિયાળુ વાવણી થઇ છે. ગયા વર્ષમાં
6.78 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ગયું હતું. સરેરાશ 48 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે તેની
તુલનાએ માત્ર 5 ટકા વિસ્તાર આવરી લેવાયો છે.
ચાલુ
વર્ષે ખેડૂતોને માટે ઘઉં, ચણા, ધાણા જેવા પાક મહત્વના બની રહેવાના છે. જીરુંના ભાવ
તાજેતરમાં વધ્યા છે પરંતુ વાતાવરણનો ડર ખેડૂતોને લાગી રહ્યો છે. ઘઉંનું વાવેતર ગુજરાતમાં
26190 હેક્ટરમાં થયું છે. જે ગયા વર્ષમાં આ સમયે 1 લાખ હેક્ટરને પાર થઇ ગયું હતુ.
ચણાનું
વાવેતર 1.19 લાખ હેક્ટર સામે અત્યારે 60 હજાર હક્ટરમાં દેખાય છે. રાઇનું 41 હજાર હેક્ટરમાં
વાવેતર થયું છે, જે ગયા વર્ષે આ સમયે 86 હજાર હેક્ટર હતુ.
મસાલા
પાકમાં જીરુંનો વિસ્તાર 40 હજાર સામે ફક્ત 12 હજાર હેક્ટર, ધાણાનો 11 હજાર હેક્ટર સામે
4300 હેક્ટર વિસ્તાર રહ્યો છે. લસણનું ફક્ત 595 હેક્ટરમાં વાવેતર થયું છે. વરિયાળીનું
વાવેતર 2308 હેક્ટરમાં થયું છે. ઇસબગુલનું ફક્ત 87 હેક્ટરમાં વાવેતર થયું છે. જ્યારે
ડુંગળીનું 6432 હેક્ટરમાં વાવેતર રહ્યું છે.