ઓમાનના ધ્વજવાળું વહાણ આગની લપેટમાં આવ્યું; યમને બચાવ કામગીરી હાથ ધરી, સલામતી અંગે ભારતીય દૂતાવાસે આપી માહિતી
સલાયા,
તા.24 : લાલ સમુદ્રમાં યમનના ઝુકાર ટાપુ નજીક ભારતીય ખલાસીઓ સવાર વહાણ પર હુમલો થતાં
આગ લાગી હતી અને વહાણને ભારે નુકસાન પહોંચ્યું હતું. જોકે, રાહતની વાત એ છે કે વહાણમાં
સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ
કે ઈજા થઈ હોવાના અહેવાલ નથી.
મળતી
માહિતી મુજબ, Salalah Marine Transport Co. સાથે સંકળાયેલું અને ઓમાનનો
ધ્વજ ધરાવતું આ વહાણ 21 અૉક્ટોબર, 2026ના રોજ હુમલાનો ભોગ બન્યું હતું. હુમલા બાદ વહાણમાં
આગ ફાટી નીકળી હતી. હુમલો કોણે કર્યો અને તેની પાછળનું કારણ શું હતું તે જાણવા તપાસ
હાથ ધરવામાં આવી છે. યમનના તંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ કામગીરીમાં તમામ 14 ભારતીય
ખલાસીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને યમનના હુદૈદાહ વિસ્તારમાં
આવેલી એક હોટેલમાં રાખવામાં આવ્યા છે. ત્યાં તેમના રહેવા, જમવા અને કપડાં સહિતની જરૂરી
સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ભારતીય
દૂતાવાસે 23 અૉક્ટોબરે તમામ 14 ભારતીય નાગરિકો સુરક્ષિત હોવાની માહિતી આપી હતી. જોકે,
તેઓ ભારત ક્યારે અને કયા માર્ગે પરત ફરશે તે અંગે હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી
નથી. પ્રાથમિક માહિતી અનુસાર, બચાવાયેલા ખલાસીઓમાં સલાયા અને સિક્કા ગામના રહેવાસીઓનો
પણ સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે તેમના પરિવારોમાં ચિંતા વચ્ચે રાહતનો માહોલ છે.