અન્ય રાજ્યોમાંથી આવતા શ્રમિકોને આધાર પુરાવાના આધારે રાશન આપવા રજૂઆત થઈ
રાજકોટ,
તા.17 : રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી વિવિધ કારણોસર ચાર્જમાં ચાલતી
17 રેશાનિંગ દુકાનો અંગે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં
આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દુકાનોને
બ્રાંચ ફાળવવા અને નજીકની દુકાનોમાં મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જિલ્લા
પુરવઠા અધિકારી અજય ઝાપડાએ જણાવ્યું હતું.
રાજકોટ
શહેરના ઝોન-1, 3 અને 4માં આવેલી કુલ 10 રેશાનિંગ દુકાનોને નજીકના વિસ્તારની દુકાનોમાં
મર્જ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોધીકા, ઉપલેટા, ધોરાજી
અને જામકંડોરણાની સાત દુકાનો પૈકી પાંચ દુકાનોને બ્રાંચ ફાળવાશે અને બે દુકાનોનું મર્જર
કરવામાં આવશે. બેઠકમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રાશનકાર્ડધારકોને ખાંડ,
તેલ સહિતની ખાદ્યસામગ્રી સમયસર મળી રહે તે અંગે ચર્ચા થઈ હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના
ડિરેક્ટર રાજુ જુંજાએ કરેલી રજૂઆતના પગલે કલેક્ટરે રેશનકાર્ડધારકોને કોઈ મુશ્કેલી ન
પડે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળિયાએ બહારથી
આવતા શ્રમિકોને ઉપલબ્ધ આધાર પુરાવાના આધારે રાશન આપવા રજૂઆત કરી હતી. તેના જવાબમાં
પુરવઠા અધિકારીએ દુકાનદારોને જરૂરી સૂચનાઓ આપવાની ખાતરી આપી હતી. બેઠકમાં જિલ્લામાં
સંબંધિત કામગીરી 98 ટકા પૂર્ણ થઈ હોવાની જાણકારી પણ આપવામાં આવી હતી. ઉપરાંત મધ્યાહન
ભોજનના શેડ બનાવવા ઉદ્યોગકારોનો સહયોગ મેળવવા કલેક્ટરે ધારાસભ્ય રમેશ ટીલાળા અને રાજુ
જુંજાને સૂચન કર્યું હતું.