એરંડાના ભાવ પહેલી વખત રૂ. 1600ની સપાટી પાર કરીને રૂ. 1700 થવા તરફ
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,તા.16
ઃ એરંડાએ ચાલુ વર્ષે અલ્પ સમયમાં એવડી મોટી તેજી કરી છેકે જીરૂ, મગફળી, કપાસ સહિતની
ગુજરાતની કોમોડિટીઝ પાછળ રહી ગઇ છે. એરંડા એ રીતે તેજીમાં ‘પ્રધાન’ બની ગયા છે.
એરંડાના
ભાવ એનસીડીઇએક્સ વાયદા બજારમાં રૂ.8701ની સર્વકાલિન ઉંચી સપાટી જોઇ આવ્યા છે. માર્ચમાં
જ્યારે એરંડાની સીઝન શરૂ થઇ ત્યારે રૂ. 6160નો જ ભાવ ખૂલ્યો હતો. શુક્રવારે રૂ.
8701 થયા હતા. વાયદામાં રૂ. 2541ની તેજી થઇ
ગઇ છે. લગભગ 41 ટકાનો ભાવવધારો થઇ ગયો છે. જે રેકોર્ડ છે.
માર્કેટ
યાર્ડમાં એરંડા માર્ચ મહિનાના આરંભે રૂ. 1250 આસપાસ વેંચાતા હતા. તેનો ભાવ રૂ.
1670 સુધી પહોંચી ગયો છે. જે ખેડૂતોએ એરંડા સાચવ્યા હતા તેમને હવે ભારે દળદાર વળતર
મળ્યું છે.છેલ્લે જ્યારે 2022માં એરંડાના ભાવમાં તેજી આવી ત્યારે રૂ.1550એ અટકી ગઇ
હતી પણ અત્યારે તેજી કોઇપણ રીતે રોકાતી નથી.
ગુજરાત
સરકારના કૃષિ વિભાગે વાવેતર માટે 5 ઓક્ટોબરના જાહેર કરેલા આંકડાઓમાં એરંડાનું વાવેતર
6.32 લાખ હેક્ટરમાં નોંધ્યું છે. જે ગયા વર્ષમાં 6.73 લાખ હેક્ટર હતુ. વાવેતરમાં
41 હજાર હેક્ટર જેટલી ખાધ પડી છે. વળી, પાછલા ત્રણ વર્ષથી એરંડાનું સરેરાશ વાવેતર
6.84 લાખ હેક્ટર થતું આવ્યું છે, તેના કરતા ઓછો આંકડો દેખાયો છે તે તેજીના મૂળમાં છે.
બીજી તરફ મહત્વના ગણાતા રાજસ્થાનમાં 2.28 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગયા વર્ષમાં 2.66 લાખ હેક્ટર હતુ. એરંડાનું વાવેતર
ઘટ્યું છે, વરસાદની ખેંચને કારણે હવે ફેબ્રુઆરીમાં નવી આવક થાય ત્યારે તે કેટલી થશે,
કેટલો પાક આવશે તે અંગે ભારે અનિશ્ચિતતા છે. બીજી તરફ જૂના માલ સ્ટોક પણ ઓછાં હોવાથી
એકધારી તેજી ચાલી રહી છે. એરંડા કેટલા આગળ જશે તે અંગે કોઇ અનુમાનો સાર્થક નીવડતા નથી
કારણકે બજાર તેને ખોટા પાડીને નવી ઉંચી સપાટી બનાવતી જાય છે.