• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

ગુજરાતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધ્યો ઃ 101 નવા કેન્દ્રો શરૂ થયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાણક્યપુરી  બ્રિજ ખાતેથી નવા કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું

 

રાજકોટ, અમદાવાદ, તા.16 ઃ ગુજરાત સરકાર દ્વારા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારજનોને સસ્તા દરે પૌષ્ટિક ભોજન મળી રહે તે હેતુથી અમલમાં મૂકવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત રાજ્યના 28 જિલ્લાઓમાં નવાં 101 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ ખાતે શ્રમિકોને ભોજન પીરસીને સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા અને નવાં કેન્દ્રોનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના તમામ 34 જિલ્લાઓમાં કુલ 394 કેન્દ્રો કાર્યરત બનશે.

વર્ષ 2017થી અમલમાં આવેલી આ યોજના હેઠળ શ્રમિકોને માત્ર રૂ.5માં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચાં અને ગોળ સહિતનું ભોજન આપવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ સુખડી કે શીરા જેવું મિષ્ટાન પણ આપવામાં આવે છે. અગાઉ દરરોજ સરેરાશ 35 હજારથી વધુ ભોજનનું વિતરણ થતું હતું, જે વધીને અંદાજે 45 હજાર થશે. આ યોજના શ્રમિકોના ભોજનખર્ચમાં રાહત આપવા સાથે તેમને પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવશે.

રાજકોટ જિલ્લાના જસદણના આટકોટના કૈલાસનગરપરા ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન કેન્દ્રનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે શ્રમિકોને ભોજન પીરસ્યું અને ધન્વંતરી આરોગ્ય રથની મુલાકાત લીધી હતી. રાજકોટ જિલ્લામાં સાત નવાં કેન્દ્રો શરૂ થતાં હવે કુલ 21 કેન્દ્રો કાર્યરત બન્યાં છે.

મોરબી ઃ મોરબીના ત્રાજપર ચોકડી ખાતે નવા ભોજન વિતરણ કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોરબી સિરામિક ઉદ્યોગનું હબ છે, શ્રમિકો ઔદ્યોગિક વિકાસનો મહત્ત્વનો આધાર છે. નવા કેન્દ્રથી શ્રમિક પરિવારોને માત્ર રૂ.5માં પૌષ્ટિક ભોજન મળશે.

ખંભાળીયા ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં લોહાણા મહાજન વાડી પાસે નવા શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું લોકાર્પણ રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર કણઝારિયાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ ચાર કેન્દ્રો શરૂ કરાયાં છે. ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાવલ, ભાણવડમાં વેરાડ નાકા પાસે અને રણજીતપરા હાઈસ્કૂલ ચોક ખાતે પણ કેન્દ્રો શરૂ

કરાયાં છે.

અમરેલી ઃ શહેરમાં નાગનાથ મંદિર પાસે કડિયાનાકા ખાતે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનું લોકાર્પણ રાજ્યના ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે શ્રમિકોને ભોજન પીરસીને કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લામાં અમરેલી ઉપરાંત સાવરકુંડલાના ગાંધી ચોક, રાજુલામાં સિવિલ હોસ્પિટલ પાસે તેમજ કુકાવાવના જૂના બસ સ્ટેશન પાસે પણ કેન્દ્રો શરૂ કરાયાં છે. ધારી શહેરમાં નવી વસાહત ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ ધારાસભ્ય જે.વી.ભાઈ કાકડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરબાપુ ભગત, પૂર્વ ધારાસભ્ય અને ધારી નગરપાલિકાના કારોબારી ચેરમેન મનસુખ ભુવા સહિત સ્થાનિક આગેવાનો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ ઃ શહેરના ટાવર રોડ પર દેના બેંક વિસ્તારમાં જિલ્લા પંચાયતનાં પ્રમુખ પાયલબેન માથોળિયાના અધ્યક્ષસ્થાને કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતાસિંહ ડોડીયા, ધારાસભ્ય ઉમેશ મકવાણા સહિતના અધિકારીઓ

અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક