વાગરા GIDCમાં હાઇડ્રોજિનેશન પ્રક્રિયા દરમિયાન 15 હજાર લિટરની ક્ષમતાવાળા રિએક્ટરમાં ધડાકો; કંપનીને ક્લોઝર નોટિસ ફટકારાઈ
વડોદરા,
તા.17 : ભરૂચ જિલ્લાના વાગરા જીઆઈડીસી સ્થિત સેનઝીલ ફાર્મા કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં
મોડી રાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં પાંચ શ્રમિકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય
છ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર
મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, કંપનીમાં હાઇડ્રોજિનેશનની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
15 હજાર લિટરની ક્ષમતાવાળા રિએક્ટરમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ધડાકો એટલો જોરદાર હતો
કે ફેક્ટરીની મશીનરીને ભારે નુકસાન થયું હતું અને શેડના ભાગો પણ તૂટી પડયા હતા. વિસ્ફોટનો
અવાજ આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાતાં આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
દુર્ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક ભરૂચની એપીએક્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં
આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બ્લાસ્ટ
બાદ ગેસ ગળતરની આશંકાથી પણ લોકોમાં ચિંતા ફેલાઈ હતી.
ઘટનાની
ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્રએ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક
માહિતી અનુસાર, કંપનીને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે. મૃતકોમાં જયદીપ પટેલ (ઉં.વ.27),
અનિકેત કુમાર (ઉં.વ.24), અર્જુન રામ સિંહ (ઉં.વ.20) અને વૃંદ તાલવિયાનો સમાવેશ થાય
છે. પાંચમા મૃતકની ઓળખ હજુ બાકી છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામદારોની સુરક્ષા
અને રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન લેવાતી સાવચેતી અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે.