• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

દુષ્કાળનું વર્ષ, પાણીની ખેંચ અને હવે ખેડૂતો માથે ખાતરનો ભાવવધારો

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 16 ઃ ઈફકો દ્વારા એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ થેલી રૂ.500નો વધારો અચાનક કરી દેવાયો છે. શિયાળુ મોસમ શરૂ થવાની છે તે પૂર્વે ભાવ રૂ.1,950થી વધીને રૂ.2,450 કરવાનો નિર્ણય આવ્યો છે. 25 ટકા ભાવવધારો ખેડૂતો માટે પડ્યા પર પાટું સમાન છે. ચાલુ વર્ષે વરસાદ ઓછાં થયા છે. કપાસ અને મગફળી સહિતના પાક ફેઇલ ગયા છે. અધૂરામાં પુરું હવે શિયાળુ પાક

વાવવા પાણી નથી ત્યાં ખાતરના ભાવ બેરોકટોક વધી રહ્યા

છે. એનાથી કિસાનોમાં ભારે

રોષ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉ. મનિષ દોશી કહે છે,  ખાતર, જંતુનાશક દવા, બિયારણ સહિત સતત વધતા જતા ખર્ચથી દેવામાં સતત ધકેલાઈ રહેલા ગુજરાતના ખેડૂતો સામે ઝડપથી વિકરાળ બની રહેલી કટોકટી ગહન ચિંતાનો વિષય છે.

એનપીકે, યુરિયા જંતુનાશકો અને બિયારણના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ, મોટાભાગના પાકોના બજારભાવ સ્થિર અથવા દબાણ હેઠળ છે. ખેડૂતો બંને બાજુથી દબાયા છે વધતા ખર્ચ અને મર્યાદિત આવક વચ્ચે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતિના લીધે દેશ અને ગુજરાતના ખેડૂતો સતત ઉંડા દેવાની ખાઈમાં ધકેલાઈ રહ્યાં છે.

ગુજરાતના 58 લાખ ખેડૂતોના હિતમાં ખાતરનો ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરતા તેમણે જણાવ્યું હતું કે, ઈફકો અને અન્ય કંપનીઓ દ્વારા કરાયેલા એનપીએ ખાતરના રૂ. 500 પ્રતિ થેલીના ભાવ વધારાને તાત્કાલિક પાછો ખેંચવા અથવા તેનો મોટો ભાગ ઓફસેટ કરવા તાત્કાલિક દરમિયાનગીરી કરવી જોઇએ.  એનપીકે, ડીએપી અને અન્ય ખાતરો માટે વધુ સબસિડી આપવામાં આવે તે જરૂરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક