રાત્રીના સમયે નદીના પાણીમાં ડૂબી જતા સર્જાઈ
કરુણાન્તિકા : ફાયર વિભાગે બંને બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા
અમરેલી,
તા.2: અમરેલી તાલુકાના પીપળલગ ગામે કરુણ ઘટના બની હતી. ગામના બે સગા ભાઈઓ નદીમાં નાહવા
જતા ઊંડા પાણીમાં ડૂબી જતાં બંનેના મૃત્યુ નિપજ્યા હતા. બનાવની જાણ થતા અમરેલી ફાયર
વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.
પીપળલગ
ગામથી મોટા આંકડિયા જવાના રસ્તા પર આવેલી નદીમાં રાત્રીના સમયે બે બાળકો પાણીમાં ડૂબી
ગયાની અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક
ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રાત્રિના અંધકાર
અને પાણીની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ફાયર ટીમના જવાનો દ્વારા બાળકોની શોધખોળ શરૂ કરવામાં
આવી હતી. આશરે 30 મિનિટ સુધી શોધખોળ કરી બંને બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જો
કે બંને બાળકોના મૃત્યુ નીપજ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ બંને મૃતદેહોને
પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતા. મૃતકોમાં પીપળગ
ગામના રહેવાસી દિનેશભાઈ ભાસ્કરના 13 વર્ષીય પુત્ર સંજય ભાસ્કર અને 11 વર્ષીય પુત્ર
પ્રિન્સ ભાસ્કર હોવાનું સામે આવ્યું છે. બે સગા ભાઈઓના એકસાથે મૃત્યુના બનાવથી પરિવાર
અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.