(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.16: બનાસકાંઠાના
રતનપુર ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં કોંગ્રેસનો
સત્કાર સમારંભ અને સંમેલન યોજાયું હતું. જેમાં અમિત ચાવડા અને સાંસદ ગેનીબેન ઠાકોરે
ભાજપ સરકારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ અને હપ્તાખોરીનું રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો
લગાવ્યા હતા.
દાંતાના રતનપુર ખાતે કોંગ્રેસનો
સત્કાર સમારંભ અને સંમેલન યોજાયુ હતું. જેમાં ભાજપ સરકાર સામે સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર
અને અમિત ચાવડા આકરા પ્રહારો કરી આક્રમક રીતે વરસ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન
કરતા કહ્યું કે, કોઈપણ અન્યાય સામે તમારી લડતમાં કોંગ્રેસ પાર્ટી હંમેશા તમારી સાથે
છે. બનાસકાંઠા હોય, દાંતા હોય ત્યાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળે અને લાઈનમાં ઊભા રહેવું
પડે, પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ જોઈએ કે કોઈ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી
ફોન કરો તે સ્થળ પર આપવા આવે. પોલીસવાળા હપ્તા લે છે, છેક દિલ્હી સુધી હપ્તા પહોંચે
છે. તેના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે અને બહેનો વિધવા થાય છે.
બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે
નિવેદન આપ્યું કે, આગામી દિવસમાં કોંગ્રેસ ગુજરાત ભરમાં દારૂબંધીના કડક અમલ માટે જનતા
રેડ કરશે. ગામેગામ સર્વે કરીને દારૂના અડ્ડાઓની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવશે.
જો તેમ છતાં સરકાર કાર્યવાહી નહીં કરે તો આખરે બોર્ડરોનો ઘેરાવો કરવો પડે તો તે પણ
કોંગ્રેસ કરશે અને લોકોને સાથે રાખી કોંગ્રેસ જનતા રેડ કરશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત
ચાવડાએ નિવેદન આપ્યું કે, ગુજરાતમાં લોકોને દારૂબંધી છે તેની ખબર નથી. ગુજરાતમાં દારૂની
રેલમ છેલ છે, હપ્તાખોરી ચાલુ છે. જો વિધાનસભામાં આટલો બંદોબસ્ત ગોઠવાય તો આટલી સુરક્ષા
બોર્ડરો પર હોય તો એક ટીપુંય દારૂ ન આવે.